મિડલ ઇસ્ટમાં ફરી એકવાર યુદ્ધનો તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ માં એક વ્યાપારી જહાજ પર થયેલા ડ્રોન હુમલા બાદ અમેરિકાએ ઇરાન વિરુદ્ધ જવાબી કાર્યવાહી કરતા મોટો સૈન્ય એક્શન લીધી છે. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ એ સત્તાવાર દાવો કર્યો છે કે તેણે ઇરાનના અનેક સૈન્ય ઠેકાણાઓ પર શક્તિશાળી હવાઈ હુમલા કર્યા છે. અમેરિકાના મતે, ૨૫ જૂને સિંગાપોરના ધ્વજ ધરાવતા માલવાહક જહાજ પર ઇરાન દ્વારા કરાયેલા ડ્રોન હુમલાના જવાબમાં આ કાર્યવાહી કરવામાં આવી છે.
હુમલો યુદ્ધવિરામ કરારનું સ્પષ્ટ ઉલ્લંઘન
CENTCOM દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર, 26 જૂને અમેરિકી વાયુસેનાએ ઇરાનની અંદર આવેલા મિસાઇલ અને ડ્રોન સ્ટોરેજ સેન્ટર્સ તેમજ દરિયાકાંઠાના રડાર સાઇટ્સને નિશાન બનાવીને તોડી પાડ્યા છે. અમેરિકાએ આ હુમલાને સંપૂર્ણપણે યોગ્ય ઠેરવતા કહ્યું કે, વ્યાપારી જહાજ પર ઇરાની દળોનો હુમલો યુદ્ધવિરામ કરારનું સ્પષ્ટ ઉલ્લંઘન હતું.
જહાજોની અવરજવર પર અસ્થાયી રોક
આ ઘટના બાદ આંતરરાષ્ટ્રીય દરિયાઈ સંગઠન એ પર્શિયન ગલ્ફમાં ફસાયેલા સેંકડો જહાજોની અવરજવર પર અસ્થાયી રોક લગાવી દીધી છે. આ વિસ્તારમાં હજુ પણ અંદાજે 500 જેટલા જહાજો ફસાયેલા છે. બ્રિટનની સેનાએ પણ ઓમાનના દરિયાકાંઠે કન્ટેનર જહાજ પર પ્રોજેક્ટાઇલ હુમલો થયો હોવાની પુષ્ટિ કરી છે.
ટ્રમ્પે આ હુમલાને 'મૂર્ખતાપૂર્ણ' ગણાવ્યો
બીજી તરફ, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ હુમલાને 'મૂર્ખતાપૂર્ણ' ગણાવ્યો છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર લખ્યું કે જહાજ તરફ ચાર ડ્રોન મોકલવામાં આવ્યા હતા, જેમાંથી ત્રણને અમેરિકી સેનાએ હવામાં જ તોડી પાડ્યા હતા. ઓવલ ઓફિસમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન ટ્રમ્પે ઇરાનને કડક શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું કે, "તેમણે આવું નહોતું કરવું જોઈતું, હવે આગળ શું પરિણામ આવશે તે દુનિયાને ટૂંક સમયમાં જ ખબર પડી જશે." હાલમાં આ વિસ્તારમાં અમેરિકી સેના સંપૂર્ણ રીતે એલર્ટ મોડ પર છે.
આ પણ વાંચો---- Sandesh Digital Explainer : રામ મંદિરમાં દાનની ચોરી, જેના પર આખા દેશે ભરોસો કર્યો, એ જ 'ખાસ' માણસે પાછળથી ભોંક્યું ખંજર