ઈરાન અને અમેરિકામાં ચાલી રહેલા તણાવની વચ્ચે હવે એક મોટી કૂટનીતિક હલચલ જોવા મળી રહી છે. બંને દેશોની વચ્ચે ફરી એક વખત વાતચીત આગામી અઠવાડિયે ઈસ્લામાબાદમાં થઈ શકે છે. જો કે હજુ સુધી કોઈ પણ પક્ષે સત્તાવાર રીતે તારીખની જાહેરાત કરી નથી પણ ચાલી રહેલી ગતિવિધિઓ આ ઈશારો કરી રહી છે.
સુરક્ષા વ્યવસ્થા ખુબ જ કડક કરવામાં આવી
મળતી માહિતી મુજબ C-17 ગ્લોબમાસ્ટર 3 જેવા ભારે અમેરિકી સૈન્ય વિમાન રાવલપિંડીના નૂર ખાન એરબેઝ પર ઉતર્યા છે. આ એરબેઝ ઈસ્લામાબાદની ખુબ જ નજીક છે. તેની સાથે જ એરપોર્ટ પરથી ઈસ્લામાબાદના રેડ ઝોન સુધી જતા રસ્તાઓને અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવ્યો છે, જેનાથી સ્પષ્ટ છે કે સુરક્ષા વ્યવસ્થા ખુબ જ કડક કરવામાં આવી રહ્યા છે.
એટલું જ નહીં, ઈસ્લામાબાદની મોટી હોટલો ખાસ કરીને સેરેના હોટલ અને મેરિયટ હોટલને પણ ખાલી કરાવવામાં આવી રહી છે. નવા બુકિંગ પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. સેરેના હોટલમાં અગાઉ 11 એપ્રિલે વાતચીત થઈ હતી. બંને દેશોની વચ્ચે લાગુ થયેલું સીઝફાયર 21 એપ્રિલે ખતમ થઈ રહ્યું છે. હજુ પણ સ્પષ્ટ નથી કે સીઝફાયરને આગળ વધારવામાં આવશે કે નહીં. જો કે ટ્રમ્પ તેને આગળ વધારવાના પક્ષમાં નથી.
બંને પક્ષોના પ્રતિનિધિ રવિવાર સુધી ઈસ્લામાબાદ પહોંચી શકે
બંને દેશોના પ્રતિનિધિ અગાઉ થયેલી વાતચીત પછી સતત ઈસ્લામાબાદ દ્વારા સંપર્કમાં છે અને પ્રયત્ન છે કે આગામી બેઠક પહેલા એક 'મેક્સિમમ અંડરસ્ટેન્ડિંગ' બનાવી લેવામાં આવે. બંને પક્ષોના પ્રતિનિધિ રવિવાર સુધી ઈસ્લામાબાદ પહોંચી શકે છે અને સોમવારે ઔપચારિક વાતચીત શરૂ થઈ શકે છે પણ તેનાથી ઈરાને ઈનકાર કરી દીધો હતો. આ સમગ્ર ઘટનામાં પાકિસ્તાનની ભૂમિકા પણ ખુબ જ મહત્વની બની શકે છે. આસિમ મુનીરે તાજેત્તરમાં જ ઈરાનનો પ્રવાસ કર્યો, જ્યાં તેમને ઈરાની નેતૃત્વ સાથે મુલાકાત કરી. આ દરમિયાન ક્ષેત્રમાં શાંતિ અને વાતચીત દ્વારા રસ્તો કાઢવા પર ભાર મુકવામાં આવ્યો.
અમેરિકા તરફથી પણ સકારાત્મક સંકેત મળ્યા
ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ તાજેત્તરમાં જ કહ્યું હતું કે હોર્મુઝ સ્ટ્રેટને કોમર્શિયલ જહાજો માટે ખોલી દેવામાં આવ્યું છે, જે વાતચીતના માહોલને સારૂ બનાવવાની દિશામાં એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. અમેરિકા તરફથી પણ સકારાત્મક સંકેત મળ્યા છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પહેલા જ કહ્યું છે કે જો ઈરાનની સાથે કોઈ કરાર થાય છે તો તે જાતે ઈસ્લામાબાદ આવીને આ ડિલ પર હસ્તાક્ષર કરી શકે છે. તેમને પાકિસ્તાનના વખાણ કરતા કહ્યું કે તેને મહત્વની ભૂમિકા નિભાવી છે.
અમેરિકા અને ઈરાનના પ્રતિનિધિમંડળની સાથે સાથે મીડિયા માટે પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તેનાથી સ્પષ્ટ છે કે આ સંભવિત વાતચીતને લઈને પાકિસ્તાન પુરી રીતે એક્ટિવ મોડમાં છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા એપ્રિલના બીજા અઠવાડિયામાં ઈસ્લામાબાદમાં બંને દેશોની વચ્ચે લગભગ 21 કલાક સુધી વાતચીત થઈ હતી પણ કોઈ યોગ્ય નિરાકરણ આવ્યું નહીં.
આ પણ વાંચો : Israel Lebanon War: ઈઝરાયેલનો પ્રચંડ પ્રહાર,હિઝબુલ્લાહના કમાન્ડર સહિત 150થી વધુ આતંકીઓ ઠાર