અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં આવેલા પહાડી શહેર ટ્રકીમાં શનિવારે એક રૂંવાડા ઉભા કરી દે તેવી ઘટના બની હતી. એક 49 વર્ષીય ડ્રાઈવરે કોઈ પણ ઉશ્કેરણી વગર, જાણબૂઝીને પોતાની કાર ભીડભાડ વાળા સેફવે ગ્રોસરી સ્ટોરની સામે ઘુસાડી દીધી હતી. આ અકસ્માતમાં ચાર લોકો ઘાયલ થયા છે, જેમાં નિર્દોષ બાળકોનો પણ સમાવેશ થાય છે.
ડ્રાઈવરે નિશાન સાધીને કાર ચઢાવી દીધી
ઘટનાસ્થળે હાજર પ્રત્યક્ષદર્શી સ્કોટી મેથ્યુસના જણાવ્યા અનુસાર, સ્ટોરની બિલકુલ સામે બાળકોની એક લોકલ બેસબોલ ટીમનું ટેબલ લાગેલું હતું, જ્યાં બાળકો ફંડ એકત્ર કરી રહ્યા હતા. ડ્રાઈવરે નિશાન સાધીને કાર ત્યાં ચઢાવી દીધી હતી. સદનસીબે, કોઈને પણ જીવલેણ ઇજા થઈ નથી, પરંતુ અકસ્માત બાદ માતા-પિતા અને બાળકોમાં ભારે નાસભાગ અને ગભરાટ ફેલાયો હતો. 911 પર જાણ કરાતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.
પોલીસ તપાસમાં આશ્ચર્યજનક વાત બહાર આવી
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે ડ્રાઈવર સાન જોઆક્વિન વેલીનો રહેવાસી છે. સૌથી આશ્ચર્યજનક વાત એ હતી કે, અકસ્માત સર્જ્યા બાદ ડ્રાઈવરે ભાગવાનો કોઈ પ્રયાસ કર્યો નહોતો. જ્યારે લોકોએ ગુસ્સામાં તેની કારના દરવાજા ખોલવાની કોશિશ કરી, ત્યારે તે અંદર શાંતિથી બેઠો રહ્યો હતો. પોલીસે તેને કસ્ટડીમાં લીધો છે અને તેની માનસિક સ્થિતિ અથવા હુમલા પાછળના હેતુની તપાસ કરવામાં આવી રહી છે.
સ્ટોરના સીસીટીવી ફૂટેજ ચકાસી રહી છે
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, આવી ઘટનાઓ સામાન્ય રીતે સમાચારમાં જોવા મળે છે, પરંતુ નજર સામે માસૂમ બાળકો પર ગાડી ચઢતા જોવી એ અત્યંત ભયાનક અનુભવ હતો. પોલીસ હવે સ્ટોરના સીસીટીવી ફૂટેજ ચકાસી રહી છે જેથી ડ્રાઈવરનો ઈરાદો સ્પષ્ટ થઈ શકે.
આ પણ વાંચોઃ India-US trade deal: રશિયન ઓઇલ ખરીદવા મુદ્દે ટ્રમ્પનો મોટો દાવો, શું ભારત નમતું જોખશે?