અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સૌથી મહત્વાકાંક્ષી ટેક્સ અને ખર્ચ યોજના ધરાવતું બિલ હવે યુએસ સંસદના નીચલા ગૃહ (હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ) માં અંતિમ મતદાન તરફ આગળ વધી રહ્યું છે. આ બિલને લઈને અમેરિકાના રાજકારણમાં ઘણો હંગામો થયો છે.


ટ્રમ્પ તેને તેમના સંભવિત બીજા કાર્યકાળનો આધાર માને છે, પરંતુ તેને પસાર કરાવવા માટે તેમને ઘણો સંઘર્ષ કરવો પડ્યો છે. ટ્રમ્પે પોતે આ બિલને "વન બિગ, બ્યૂટીફુલ બિલ" ગણાવ્યું છે.

આ બિલમાં સામાજિક કલ્યાણ કાર્યક્રમોમાં કાપ મૂકવા અને ત્રણ ટ્રિલિયન ડોલરનું વધારાનું રાષ્ટ્રીય દેવું ઉમેરવા જેવા વિવાદાસ્પદ પ્રસ્તાવોનો સમાવેશ થાય છે. રિપબ્લિકન પાર્ટીના ઘણા સાંસદોએ પણ ડેમોક્રેટ્સ સાથે તેનો વિરોધ કર્યો છે.

NRI અને ભારતીય પ્રોફેશનલને મોટી રાહત

આ વિવાદાસ્પદ બિલમાં સૌથી મોટી રાહત ભારતીય ઈમિગ્રન્ટ્સ માટે છે. અમેરિકામાં રહેતા લગભગ 45 લાખ ભારતીયોને આ સમયે રાહત મળી જ્યારે બિલના લેટેસ્ટ ડ્રાફ્ટમાં આંતરરાષ્ટ્રીય મની ટ્રાન્સફર પર પ્રસ્તાવિત ટેક્સ દર 5% થી ઘટાડીને માત્ર 1% કરી દેવામાં આવશે. આનાથી તે ભારતીયોને મોટી રાહત મળશે જેઓ તેમના ઘરે પૈસા ટ્રાન્સફર કરે છે.

27 જૂનના રોજ બહાર પાડવામાં આવેલા બિલના સુધારેલા ડ્રાફ્ટમાં સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે આ ટેક્સ ફક્ત તે લોકો પર લાગુ થશે જેઓ અમેરિકાના રહેવાસી છે પરંતુ અમેરિકન નાગરિક નથી. આમાં ગ્રીન કાર્ડ ધારકો, H-1B અને H-2A વિઝા પર કામ કરતા વ્યાવસાયિકો અને વિદેશી વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

કયા વ્યવહારો પર કોઈ નહીં લાગે ટેક્સ?

બિલમાં કરવામાં આવેલ મહત્વપૂર્ણ બીજો ફેરફાર એ છે કે ખાસ પ્રકારના મની ટ્રાન્સફરને આ ટેક્સમાંથી સંપૂર્ણપણે મુક્તિ આપવામાં આવશે. ડ્રાફ્ટ મુજબ જો પૈસા અમેરિકન બેંક ખાતામાંથી મોકલવામાં આવી રહ્યા છે અથવા વ્યવહાર ડેબિટ/ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને કરવામાં આવી રહ્યો છે, તો તેના પર કોઈ ટેક્સ રહેશે નહીં.

આ કર ફક્ત રોકડ, મની ઓર્ડર અથવા કેશિયર ચેક દ્વારા મોકલવામાં આવતા નાણાં પર લાગુ થશે. આનાથી લાખો NRIs પર સીધી અસર પડશે જેઓ પરંપરાગત માધ્યમથી ભારતમાં તેમના પરિવારોને પૈસા મોકલે છે.

કેવી રીતે આ બિલમાં ફેરફાર કરવામાં આવ્યો અને શું છે વિવાદ?

આ બિલ મે મહિનામાં હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ દ્વારા પસાર કરવામાં આવ્યું હતું, પરંતુ સેનેટમાં માત્ર એક મતથી પસાર થયા બાદ, તેને કેટલાક સુધારાઓ સાથે નીચલા ગૃહમાં પાછું મોકલવામાં આવ્યું હતું. આમાં સૌથી મહત્વપૂર્ણ ફેરફાર મની ટ્રાન્સફર ટેક્સ અંગે હતો. બિલનો વિરોધ કરનારાઓનું કહેવું છે કે આનાથી અમેરિકાનું રાષ્ટ્રીય દેવું વધુ વધશે અને સામાજિક કલ્યાણ યોજનાઓ નબળી પડશે. પરંતુ ટ્રમ્પ તેને અમેરિકાની આર્થિક મજબૂતી તરફ એક મોટું પગલું ગણાવી રહ્યા છે.

  • Follow us on: