વોશિંગ્ટન હિલ્ટન હોટલમાં થયેલા ગોળીબાર બાદ સમગ્ર વિશ્વમાં અમેરિકાની 'સીક્રેટ સર્વિસ' (Secret Service) ની ચર્ચા થઈ રહી છે. જ્યારે હુમલાખોરે ફાયરિંગ કર્યું, ત્યારે ગણતરીની સેકન્ડોમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સુરક્ષિત ઘેરામાં લઈ લેનાર આ એજન્ટો કોણ છે અને તેઓ કેવી રીતે કામ કરે છે? ટ્રમ્પે પોતે આ એજન્ટોની બહાદુરીના વખાણ કરતા કહ્યું છે કે તેમની સતર્કતાને કારણે મોટી હોનારત ટળી ગઈ.
શું છે સીક્રેટ સર્વિસ?
યુનાઇટેડ સ્ટેટ્સ સીક્રેટ સર્વિસ એ અમેરિકાની સૌથી જૂની અને અત્યંત પ્રશિક્ષિત સુરક્ષા એજન્સીઓમાંની એક છે. જેનું મુખ્ય કામ રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, તેમના પરિવારો અને વિદેશી મહાનુભાવોની સુરક્ષા કરવાનું છે. રસપ્રદ વાત એ છે કે, 1865માં જ્યારે તેની સ્થાપના થઈ ત્યારે તેનું કામ માત્ર નકલી નોટો રોકવાનું હતું. પરંતુ 1901માં રાષ્ટ્રપતિ વિલિયમ મેકકિનલેની હત્યા બાદ તેમને રાષ્ટ્રપતિની સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી.













