દક્ષિણ અમેરિકાના દેશ વેનેઝુએલામાંથી એક અત્યંત દુઃખદ અને હચમચાવી દેનારા સમાચાર સામે આવ્યા છે. વેનેઝુએલામાં બુધવારની સાંજે માત્ર 39 સેકન્ડના અંતરાલમાં આવેલા બે અત્યંત શક્તિશાળી ભૂકંપના કારણે સેંકડો ઇમારતો પત્તાના મહેલની જેમ ધરાશાયી થઇ ગઇ છે. અમેરિકન જીઓલોજિકલ સર્વે (USGS) ના જણાવ્યા અનુસાર, આ આપત્તિમાં 10 હજારથી વધુ લોકોના મોત થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ ભૂકંપને વેનેઝુએલાના છેલ્લા 126 વર્ષના ઇતિહાસનો સૌથી મોટો અને વિનાશક ભૂકંપ ગણાવવામાં આવી રહ્યો છે.


માત્ર 39 સેકન્ડમાં બે પ્રચંડ આંચકા

અહેવાલો અનુસાર, પહેલો આંચકો રિક્ટર સ્કેલ પર 7.2 ની તીવ્રતાનો હતો, જેનું કેન્દ્ર રાજધાની કરાકાસથી માત્ર 20 કિલોમીટર દૂર કારાબોબો રાજ્યમાં હતું. આ આંચકાથી લોકો સંભાળે તે પહેલાં જ, માત્ર 39 સેકન્ડ પછી 7.5 ની તીવ્રતાનો બીજો અને વધુ શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. આ ડબલ ઝટકાના કારણે સમગ્ર દેશ ધ્રૂજી ઊઠ્યો હતો. USGS ના આંકડા મુજબ, આ ભૂકંપમાં 10 હજારથી વધુ લોકોના મોતની સંભાવના 44% અને 1 લાખથી વધુ મોતની આશંકા 30% જેટલી છે.


ચારેય તરફ તબાહીનું મંજર, સેંકડો લોકો મલબા નીચે દબાયા

રાજધાની કરાકાસ સહિતના અનેક શહેરોમાં બહુમાળી ઇમારતો અને રહેણાંક મકાનો ધરાશાયી થયા છે. ગૃહમંત્રી ડિઓસદાદો કાબેલોએ જણાવ્યું કે, આપત્તિજનક સ્થિતિને જોતા ફાયર બ્રિગેડ, પોલીસ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમોને યુદ્ધના ધોરણે બચાવ કામગીરીમાં લગાડી દેવામાં આવી છે. કરાકાસના પૂર્વ વિસ્તાર ચાકાઓમાં ઇમારતો પડવાના કારણે અનેક લોકો કાટમાળ નીચે ફસાયા હોવાના અહેવાલ છે. હોસ્પિટલોને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે અને આગામી સોમવાર સુધી તમામ શાળાઓ અને જાહેર કાર્યક્રમો રદ કરી દેવાયા છે.

સુનામીની ચેતવણી અને દુર્લભ વૈજ્ઞાનિક ઘટના

ભૂકંપ બાદ તુરંત જ પ્યુર્ટો રિકો, વર્જિન આઇલેન્ડ્સ અને અરુબા જેવા ટાપુઓ માટે સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી હતી, જોકે એક કલાક બાદ તેને પાછી ખેંચી લેવાઈ હતી. નિષ્ણાતોના મતે, આ એક અત્યંત દુર્લભ ઘટના છે જે 1,000 થી 1,200 વર્ષમાં એક જ વાર બને છે, કારણ કે વેનેઝુએલામાં આટલા મોટા બે ભૂકંપ આવ્યા તેની સાથે જ જાપાનમાં પણ 6.9 ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. વેનેઝુએલા કેરેબિયન અને સાઉથ અમેરિકન ટેક્ટોનિક પ્લેટ્સના જંક્શન પર આવેલું હોવાથી અહીં ભૂકંપનું જોખમ હંમેશા રહે છે, પરંતુ આ વખતના ભૂકંપે આધુનિક ઇતિહાસની સૌથી મોટી આપત્તિનું રૂપ ધારણ કર્યું છે.

આ પણ વાંચો:Venezuela Earthquake: સદીનો સૌથી વિનાશક ભૂકંપ, 10 હજારથી વધુ લોકોના મોતની આશંકા, બ્રાઝિલ સુધી ધરા ધ્રુજી

  • Follow us on: