અમેરિકાની કોલોરાડો બોલ્ડર યુનિવર્સિટીમાં બનેલી એક સામાન્ય લાગતી ઘટના આજે વૈશ્વિક ચર્ચાનું કેન્દ્ર બની છે. મુદ્દો માત્ર એક ભારતીય વાનગીનો નથી, પરંતુ સંસ્કૃતિ, ઓળખ અને ભેદભાવની ઊંડે સુધી જતી ટક્કરનો છે. બે ભારતીય PHD વિદ્યાર્થીઓ—આદિત્ય પ્રકાશ અને ઉર્મિ ભટ્ટાચાર્ય—જ્યારે પોતાના ઘરેથી લાવેલું ભોજન શાંતિથી માઇક્રોવેવમાં ગરમ કરી રહ્યા હતા, ત્યારે કોઈએ કલ્પના પણ નહોતી કરી કે આ ક્ષણ તેમને કોર્ટના દરવાજા સુધી લઈ જશે. સાંભળીને નવાઈ લાગે એવું છે, પરંતુ આ જ હકીકત છે—એક લંચ બ્રેક, એક થાળી પાલક પનીર અને સામે આખી સિસ્ટમ.
સમ્રગ ઘટના
5 સપ્ટેમ્બર, 2023ના રોજ આદિત્ય પ્રકાશ યુનિવર્સિટીના માનવશાસ્ત્ર વિભાગમાં લંચ માટે લાવેલું પાલક પનીર ગરમ કરી રહ્યા હતા. એ દરમિયાન એક સ્ટાફ સભ્ય ત્યાં પહોંચ્યો અને ખોરાકની “તીવ્ર ગંધ” વિશે ફરિયાદ કરી. સ્ટાફે તેમને માઇક્રોવેવનો ઉપયોગ ન કરવા કહ્યું. આદિત્યએ શાંતિથી જવાબ આપ્યો કે આ ફક્ત ખોરાક છે અને થોડી જ વારમાં તેઓ ચાલ્યા જશે. પરંતુ વાત ત્યાં અટકી નહીં.
ઘટનાને લઇને વિભાગીય સ્તરે ફરિયાદ
આ ઘટનાને લઈને વિભાગીય સ્તરે ફરિયાદો થઈ, વિદ્યાર્થીઓને વારંવાર વરિષ્ઠ ફેકલ્ટી સમક્ષ બોલાવવામાં આવ્યા અને “સ્ટાફને અસુરક્ષિત અનુભવ કરાવવાનો” આરોપ મૂકાયો. આદિત્ય પ્રકાશનું કહેવું છે કે આ સમગ્ર પ્રક્રિયા “વ્યવસ્થિત જાતિવાદ”નું ઉદાહરણ હતી. તેમણે આક્ષેપ કર્યો કે વિભાગે PHD દરમિયાન મળતી માસ્ટર ડિગ્રી પણ આપવાનો ઇનકાર કર્યો.
ફરિયાદ ફગાવી
ઉર્મિ ભટ્ટાચાર્ય સાથે પણ અણ્યાય થયો. તેમની શિક્ષણ સહાયક (Teaching Assistant)ની નોકરી અચાનક છીનવી લેવામાં આવી. બે દિવસ બાદ, જ્યારે તેઓ અન્ય ભારતીય વિદ્યાર્થીઓ સાથે ભારતીય ભોજન લાવ્યા, ત્યારે તેમના પર “કેમ્પસમાં રમખાણો ભડકાવવાનો” ગંભીર આરોપ મૂકાયો. જોકે, બાદમાં આ ફરિયાદો ફગાવી દેવામાં આવી.
વિદ્યાર્થીઓએ કોર્ટનો દરવાજો ખખડાવ્યો
આ તમામ ઘટનાઓ પછી બંને વિદ્યાર્થીઓએ કોર્ટનો દરવાજો ખખડાવ્યો. કોલોરાડોની US ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં દાખલ કરાયેલા નાગરિક અધિકારના મુકદ્દમામાં તેમણે દલીલ કરી કે યુનિવર્સિટીની રસોડા નીતિઓ ખાસ કરીને દક્ષિણ એશિયન સમુદાયને અસર કરતી હતી. ઘણા ભારતીય વિદ્યાર્થીઓ શેર કરેલી જગ્યામાં પોતાનું ખોરાક ખોલતા પણ ડરતા હતા, જેના કારણે તેમને માનસિક અને ભાવનાત્મક તકલીફ પડી.
1.8થી 2 કરોડ આપવામાં પડયા
અંતે, યુનિવર્સિટીએ સમાધાન કરવાનું નક્કી કર્યું. બંને વિદ્યાર્થીઓને કુલ $200,000 (આશરે રૂ. 1.8થી 2 કરોડ) વળતર ચૂકવવામાં આવ્યું. સાથે જ તેમને માસ્ટર ડિગ્રી આપવામાં આવી. જોકે, ભવિષ્યમાં યુનિવર્સિટીમાં અભ્યાસ કે કામ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. આ પછી બંને વિદ્યાર્થીઓ કાયમી રીતે ભારત પરત ફર્યા.
આ પણ વાંચો : World News : ખાલિસ્તાની આતંકવાદ પર કેનેડાની નિષ્ક્રિયતા, હાઈ કમિશનર પટનાયકના કડક શબ્દો