કેનેડામાં ભારતના હાઈ કમિશનર દિનેશ પટનાયકે ખાલિસ્તાની આતંકવાદ મુદ્દે કેનેડાની નીતિઓ અને કાર્યવાહી પર કડક ટીકા કરી છે. કેનેડામાં એક ઇન્ટ્રવ્યુ દરમિયાન તેમણે કહ્યું કે છેલ્લા 40 વર્ષથી કેનેડાએ તેની ધરતી પર ચાલી રહેલી આતંકવાદી પ્રવૃત્તિઓ સામે અસરકારક પગલાં લીધા નથી. આ નિષ્ક્રિયતાના કારણે ભારત વિરોધી ઉગ્રવાદને પ્રોત્સાહન મળ્યું છે અને આતંકવાદી તત્વો વધુ મજબૂત બન્યા છે.


 કેનેડાને ખાલિસ્તાની આતંકવાદીઓ વિશે માહિતી

પટનાયકે સ્પષ્ટ કહ્યું કે ભારતે વારંવાર કેનેડાને ખાલિસ્તાની આતંકવાદીઓ વિશે માહિતી આપી છે, પરંતુ કેનેડાની તરફથી હંમેશા પુરાવાની અછતનું કારણ બતાવવામાં આવ્યું. તેમનું કહેવું હતું કે જ્યારે ભારત આરોપ કરે છે ત્યારે પુરાવા માગવામાં આવે છે, પરંતુ જ્યારે કેનેડા ભારત પર આરોપ લગાવે છે ત્યારે તે જ ધોરણ લાગુ પડતું નથી. આ જ બાબતને તેમણે “બેવડા ધોરણ” તરીકે ગણાવી.

હરદીપ સિંહ નિજ્જરની હત્યા મામલે ટીકા

હરદીપ સિંહ નિજ્જરની હત્યા મામલે ભારતીય એજન્ટોની સંડોવણી અંગે કેનેડિયન મીડિયા દ્વારા કરવામાં આવતા દાવાઓને પટનાયકે સખત શબ્દોમાં નકારી કાઢ્યા. તેમણે સીધો પ્રશ્ન કર્યો, “પુરાવા ક્યાં છે?” અને ઉમેર્યું કે માત્ર આરોપો લગાવવાથી સત્ય સાબિત થતું નથી. તેમના જણાવ્યા મુજબ, કેનેડાની પાસે જો ખરેખર વિશ્વસનીય પુરાવા હોય તો તે જાહેર કરવા જોઈએ.

1985ના એર ઈન્ડિયા વિમાન બોમ્બ વિસ્ફોટ

હાઈ કમિશનરે 1985ના એર ઈન્ડિયા વિમાન બોમ્બ વિસ્ફોટનો પણ ઉલ્લેખ કર્યો, જેમાં 329 લોકોના મોત થયા હતા. તેમણે કહ્યું કે આ ભયાનક હુમલા બાદ પણ આજે સુધી કોઈને યોગ્ય સજા મળી નથી. આ ઘટના કેનેડાની ધરતી પર આતંકવાદ સામેની ઢીલી કાર્યવાહીનું ઉદાહરણ છે.

 ભારતને કોઈ અલગતાવાદી વિચારધારાથી સમસ્યા નથી

પટનાયકે સ્પષ્ટ કર્યું કે ભારતને કોઈ અલગતાવાદી વિચારધારાથી સમસ્યા નથી, પરંતુ જે લોકો ભારત સામે ગુનાઓ કરે છે અથવા વિદેશમાં બેઠા બેઠા આતંકવાદી પ્રવૃત્તિઓ ચલાવે છે, તેમની સામે કડક કાર્યવાહી જરૂરી છે. તેમણે વધુમાં કહ્યું કે જો પુરાવા આધારિત રીતે કોઈ ભારતીય નાગરિક દોષિત સાબિત થાય, તો ભારત પોતાની રીતે કાર્યવાહી કરશે અને તેને બહારથી દબાણની જરૂર નથી. ભારતનો સ્પષ્ટ સંદેશ આપે છે કે આતંકવાદ સામે લડાઈમાં એકસરખા ધોરણો અને પારદર્શિતા જરૂરી છે. માત્ર આરોપો નહીં, પરંતુ મજબૂત પુરાવા અને જવાબદારી જ બંને દેશો વચ્ચે વિશ્વાસ સ્થાપિત કરી શકે.

આ પણ વાંચો : એક પળની બેદરકારી… અને ગળે આવી ગઈ મોતની દોરી! Bhavnagarમાં ઉતરાયણનો ચોંકાવનારો બનાવ


  • Follow us on: