પશ્ચિમ એશિયામાં છેલ્લા સાડા ત્રણ મહિનાથી ચાલી રહેલો તણાવ હવે વધુ વિસ્ફોટક સ્તરે પહોંચી ગયો છે. શુક્રવાર મધ્યરાત્રિથી ઇઝરાયેલી સેનાએ દક્ષિણ લેબનોનમાં હિઝબુલ્લાહના ઠેકાણાઓ પર ભીષણ હવાઈ અને ડ્રોન હુમલા શરૂ કર્યા છે. આ હુમલા બાદ વૈશ્વિક સ્તરે સૌથી મોટો સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે, શું ઇઝરાયેલ ખુલ્લેઆમ અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા ઐતિહાસિક 'ઇસ્લામાબાદ કરાર'ને ઠેંગો બતાવી રહ્યું છે? આ તાજા સંઘર્ષમાં લેબનોનમાં ભારે તબાહી મચી છે, તો સામે પક્ષે ઇઝરાયેલને પણ મોટું નુકસાન વેઠવું પડ્યું છે.
લેબનોનમાં 18ના મોત
લેબનોનની સત્તાવાર નેશનલ ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ, ઇઝરાયેલી ડ્રોન સતત દક્ષિણ લેબનોનના વિસ્તારોને નિશાન બનાવી રહ્યા છે. લેબનોનના જાહેર આરોગ્ય મંત્રાલયે પુષ્ટિ કરી છે કે શુક્રવાર મધ્યરાત્રિ પછી થયેલા આ હુમલામાં વધુ લોકોના જીવ જતાં કુલ મૃત્યુઆંક 18 પર પહોંચી ગયો છે, જ્યારે 33 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસના ચાર સૈનિકો પણ માર્યા ગયા
બીજી તરફ, સમાચાર એજન્સી પીટીઆઈ અને એસોસિએટેડ પ્રેસ (AP) ના જણાવ્યા અનુસાર, દક્ષિણ લેબનોનની ધરતી પર હિઝબુલ્લાહના લડવૈયાઓ સાથે થયેલી સીધી અને ભીષણ લડાઈમાં ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ ના ચાર સૈનિકો પણ માર્યા ગયા છે. ઇઝરાયેલી સેનાએ સ્વીકાર્યું છે કે આ વિસ્તારમાં ગોળીબાર ખૂબ જ તીવ્ર બની ગયો છે.
ઇસ્લામાબાદ કરાર માનવાનો ઇઝરાયેલનો સાફ ઇનકાર
આ સમગ્ર વિવાદના મૂળમાં અમેરિકા અને ઈરાન વચ્ચે તાજેતરમાં થયેલો શાંતિ કરાર છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 111 દિવસથી ચાલી રહેલી જંગ દરમિયાન ઇઝરાયેલે અમેરિકા સાથે મળીને તેહરાનમાં અનેક એરસ્ટ્રાઈક કરી હતી. આ લાંબી લડાઈમાં ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈ સહિત ઈરાનના મોટાભાગના ઉચ્ચ અધિકારીઓ અને કમાન્ડરો માર્યા ગયા હતા.
'ઇસ્લામાબાદ એમઓયુ' પર હસ્તાક્ષર
ત્યારબાદ મિડલ ઈસ્ટમાં શાંતિ સ્થાપવા માટે અમેરિકા અને ઈરાન વચ્ચે પાકિસ્તાનની રાજધાનીમાં 'ઇસ્લામાબાદ એમઓયુ' પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જેનો હેતુ આ યુદ્ધનો કાયમી અંત લાવવાનો હતો. પરંતુ ઇઝરાયેલે આ કરાર સ્વીકારવાની સ્પષ્ટ ના પાડી દીધી છે અને શુક્રવારે રાત્રે જ લેબનોન પર હુમલા તેજ કરી દીધા. ઇઝરાયેલના આ પગલાથી હિઝબુલ્લાહે પણ ઇઝરાયેલી સરહદમાં જોરદાર પલટવાર કર્યો છે.
ઈરાન અને ઇઝરાયેલ સામસામે
ઈરાનનું સ્પષ્ટ કહેવું છે કે દક્ષિણ લેબનોન પર ઇઝરાયેલના હુમલા તાત્કાલિક બંધ થવા જોઈએ અને ઇઝરાયેલે ત્યાંથી પોતાનો કબજો હટાવવો પડશે. બીજી તરફ ઇઝરાયેલના વડાપ્રધાન અને સેનાનું કહેવું છે કે, ઈરાન સમર્થિત શિયા સંગઠન હિઝબુલ્લાહ ઉત્તરી ઇઝરાયેલ પર સતત રોકેટ હુમલા કરતું હોવાથી દેશની સુરક્ષા જોખમમાં છે. ઇઝરાયેલને હિઝબુલ્લાહ સામે લડવા માટે સંપૂર્ણ આઝાદી જોઈએ અને તે પોતાની સેના પાછી નહીં ખેંચે.
શાંતિ વાર્તા ખોરવાઈ: જિનેવા બેઠક ટળી
આ સૈન્ય કાર્યવાહીની સીધી અસર આંતરરાષ્ટ્રીય રાજદ્વારી સ્તરે જોવા મળી છે. હિઝબુલ્લાહ સાથે રાજકીય રીતે જોડાયેલી ન્યૂઝ ચેનલ 'અલ-માયાદીન' ના અહેવાલ મુજબ, લેબનોનમાં ઇઝરાયેલના આક્રમણને કારણે ઈરાને ભારે નારાજગી વ્યક્ત કરી છે. પરિણામે, સ્વિટ્ઝર્લેન્ડના જિનેવા ખાતે અમેરિકા અને ઈરાન વચ્ચે યોજાનારી આગામી શાંતિ બેઠકમાં પોતાનું પ્રતિનિધિમંડળ મોકલવામાં ઈરાને વિલંબ કર્યો છે, એટલે કે હાલ પૂરતી આ વાતચીત ટળી ગઈ છે. બીજી તરફ, અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સના સંભવિત પ્રવાસ અંગે પણ અમેરિકાએ કહ્યું છે કે આ કાર્યક્રમની જાહેરાત હવે પછી કરવામાં આવશે.
આગળ શું? મિડલ ઈસ્ટ મહાયુદ્ધ તરફ?
નિષ્ણાતોના મતે, 111 દિવસના લોહિયાળ સંઘર્ષ પછી જ્યારે એવું લાગતું હતું કે અમેરિકા-ઈરાન કરારથી શાંતિ સ્થપાશે, ત્યારે ઇઝરાયેલના આ આકરા વલણે સમગ્ર પશ્ચિમ એશિયાને ફરીથી મોટી લડાઈના મુખમાં ધકેલી દીધું છે. જો ઇઝરાયેલ પોતાના હુમલા ચાલુ રાખશે અને હિઝબુલ્લાહ પલટવાર કરતું રહેશે, તો આગામી દિવસોમાં આ યુદ્ધ વધુ ભયાનક સ્વરૂપ ધારણ કરી શકે છે.
આ પણ વાંચો---- Gujarat Latest News Live : સાંજે 4 વાગ્યા સુધી 9 જિલ્લામાં વરસાદની આગાહી