ફ્લાઈટમાં બે કિશોર મુસાફરો પર હુમલો કરવા અને એક મહિલા મુસાફરને થપ્પડ મારવાના આરોપમાં 28 વર્ષીય ભારતીય નાગરિક પ્રણીત કુમાર ઉસિરીપલ્લીની ધરપકડ કરવામાં આવી છે. યુએસ અધિકારીઓના જણાવ્યા મુજબ આ ઘટના શનિવારે શિકાગોથી જર્મની જતી લુફ્થાન્સાની ફ્લાઈટમાં બની હતી.
બોસ્ટન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાયું
પ્રણીતે મેટલ ફોર્કથી બે છોકરાઓ પર હુમલો કર્યો હતો, જેના કારણે વિમાનને બોસ્ટન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. પ્રણીતે પહેલા 17 વર્ષના છોકરાના ખભામાં કાંટાવાળી ચમચી મારી દીધી, ત્યારબાદ તેણે તે જ ચમચીનો ઉપયોગ કરીને બીજા છોકરાના માથાના પાછળના ભાગમાં માર્યો હતો, જેના કારણે તેને ગંભીર ઈજા થઈ હતી. આ ઘટના બાદ યુસિરિપલ્લી પર યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ખતરનાક હથિયારથી હુમલો કરવા અને શારીરિક ઈજા પહોંચાડવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
ભોજન પીરસતી વખતે થયો હુમલો
અધિકારીઓએ જણાવ્યું હતું કે આ હુમલો ભોજન આપવા દરમિયાન થયો હતો. મુસાફરો અને એરલાઈન સ્ટાફે તેને દબાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેણે પછી એક મહિલા મુસાફરને થપ્પડ મારી અને ક્રૂ સભ્યો પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. પ્રણીત હાલમાં યુનાઈટેડ સ્ટેટ્સમાં કાયદેસર ઈમિગ્રેશન સ્ટેટસ ધરાવતો નથી. તે અગાઉ સ્ટુડન્ટ વિઝા પર યુએસમાં હતો અને વધુ અભ્યાસ માટે માસ્ટર પ્રોગ્રામ કરી રહ્યો હતો. જો કે કયા કારણોસર આ હુમલો કરવામાં આવ્યું તે હજુ સુધી જાણી શકાયું નથી.
10 વર્ષની જેલની સજા પણ થઈ શકે
25 ઓક્ટોબરના રોજ ધરપકડ કરાયેલા પ્રણીતને બોસ્ટનની ફેડરલ કોર્ટમાં હાજર કરવામાં આવશે. જો તે દોષિત જણાશે તો તેને 10 વર્ષ સુધીની જેલ અને 2,50,000 ડોલર સુધીનો દંડ થઈ શકે છે. પોલીસ પ્રણીતનું બેકગ્રાઉન્ડ, માનસિક સ્થિતિ અને દખલ કરનારા ક્રૂ સભ્યો અને મુસાફરોની હરકતોની પણ તપાસ કરશે.