ઈરાનમાં ચાલી રહેલું રાજકીય અને સામાજિક સંકટ હવે ગંભીર તબક્કામાં પહોંચી ગયું છે. રાજધાની તેહરાન રાતોરાત ભારે હિંસાથી હચમચી ગઈ, જેમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 217 લોકોના મોત થયા હોવાના અહેવાલો છે જો કે કોઇ સત્તાવાર માહિતી નથી. હજારો લોકો ઘાયલ થયા છે અને સ્થિતિને કાબૂમાં લેવા માટે સરકારે દેશભરમાં ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દીધી છે.
પરિસ્થિતિ સૌથી વધુ હિંસક
આ વિરોધ પ્રદર્શનોની શરૂઆત વધતી મોંધવારી, બેરોજગારી અને ઈરાની ચલણ રિયાલના ઝડપી અવમૂલ્યન સામે થઈ હતી. શરૂઆતમાં લોકો પોતાની આર્થિક મુશ્કેલીઓ અંગે અવાજ ઉઠાવી રહ્યા હતા, પરંતુ સમય જતા આ આંદોલન શાસન અને ધાર્મિક નેતૃત્વ સામે સીધા વિરોધમાં ફેરવાઈ ગયું. છેલ્લા બે અઠવાડિયામાં આ પરિસ્થિતિ સૌથી વધુ હિંસક બની છે.
ડોક્ટરનો દાવો
સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય મીડિયા મુજબ, તેહરાનની કેટલીક હોસ્પિટલોમાં જ મોટી સંખ્યામાં મૃતદેહો લાવવામાં આવ્યા છે. એક ડૉક્ટરે નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે મોટાભાગના મૃત્યુ ગોળીબારને કારણે થયા છે અને તેમાં યુવાનોની સંખ્યા વધુ છે. અહેવાલો અનુસાર એકલા તેહરાનમાં જ થયેલી અથડામણોમાં 217 લોકોનાં મોત થયા છે, જેમાં 14 સુરક્ષા કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે
અન્ય શહેરોમાં પણ પ્રદર્શનકારીઓ રસ્તાઓ પર
આ હિંસા માત્ર તેહરાન સુધી મર્યાદિત નથી. મશહદ, કોમ, ઇસ્ફહાન, કાઝવિન, બુશેહર અને અન્ય શહેરોમાં પણ પ્રદર્શનકારીઓ રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. અનેક જગ્યાએ આગજણી, તોડફોડ અને લૂંટફાટના બનાવો નોંધાયા છે. અહેવાલ મુજબ 26 બેંકો લૂંટાઈ ગઈ, 25 મસ્જિદોમાં આગ લગાવવામાં આવી અને 10 સરકારી ઇમારતોને ભારે નુકસાન થયું. 48 ફાયર એન્જિન અને 42 બસોને પણ આગ ચાંપી દેવામાં આવી છે.
તેહરાનના મેયરનું નિવેદન
તેહરાનના મેયર અલીરેઝા ઝકાનીએ જણાવ્યું કે શહેરના માળખાગત સુવિધાઓને નોંધપાત્ર નુકસાન થયું છે અને કટોકટી પ્રતિભાવ ટીમો નુકસાન સુધારવાના કામમાં લાગી ગઈ છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે કોલેજો અને યુનિવર્સિટીઓ બંધ કરી દેવામાં આવી છે, તેમજ હજારો લોકોની અટકાયત કરવામાં આવી છે.
વિરોધની શરૂઆત
આ સમગ્ર વિરોધ કેવી રીતે શરૂ થયો તેની વાત કરીએ તો, 29 ડિસેમ્બર 2025ના રોજ મધ્ય તેહરાનમાં વેપારીઓએ રિયાલના મૂલ્યમાં થયેલા ભારે ઘટાડા સામે વિરોધ કર્યો હતો. ત્યારબાદ વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિકો પણ આંદોલનમાં જોડાતા ગયા. આજે આ વિરોધ ઈરાનના લગભગ 20 પ્રાંતો અને 110થી વધુ શહેરોમાં ફેલાઈ ગયો છે, જે દેશના ભવિષ્ય માટે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે.
આ પણ વાંચો : America ભારતને વેનેઝુએલાનું તેલ વેચવા તૈયાર, પરંતુ કડક શરતો સાથે