કોરોના વાયરસ (COVID-19) ની ઉત્પત્તિને લઈને અમેરિકાના વોશિંગ્ટનથી વધુ એક મોટો અને ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. અમેરિકાના નેશનલ ઇન્ટેલિજન્સ ડાયરેક્ટર (DNI) તુલસી ગબાર્ડે (Tulsi Gabbard) પોતાના કાર્યકાળના છેલ્લા દિવસે કેટલાક અત્યંત ગુપ્ત દસ્તાવેજો અને ઓફિશિયલ ઈમેલ સાર્વજનિક કર્યા છે. આ દસ્તાવેજોમાં દાવો કરવામાં આવ્યો છે કે, અમેરિકાની હેલ્થ એજન્સી (NIAID) ના તત્કાલીન વડા ડૉ. એન્થની ફોસીએ (Dr. Anthony Fauci) ચીનની વુહાન લેબમાં ચામાચીડિયા પર થઈ રહેલા કોરોના રિસર્ચ માટે અમેરિકી કરદાતાઓના કરોડો ડોલરનું ફંડિંગ આપ્યું હતું એટલું જ નહીં, પણ તેમણે કોવિડની ઉત્પત્તિ સાથે જોડાયેલા અસલી તથ્યોને દબાવવામાં પણ મુખ્ય ભૂમિકા ભજવી હતી.
ડૉ. ફોસી પર ગંભીર આરોપ
જારી કરાયેલા દસ્તાવેજો અનુસાર, ડૉ. ફોસીએ અમેરિકી ગુપ્તચર એજન્સીઓના કેટલાક અધિકારીઓ સાથે મળીને 'લેબ-લીક થિયરી'ને નબળી પાડવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે દુનિયા સમક્ષ વાયરસ કુદરતી રીતે ફેલાયો હોવાનું જુઠ્ઠું નેરેટિવ ઊભું કર્યું હતું. આ આક્ષેપો મુજબ, ફોસીએ પોતાની મનપસંદ વૈજ્ઞાનિકોની ટીમના તારણો ગુપ્તચર એજન્સીઓ સુધી પહોંચાડ્યા અને તેને વૈજ્ઞાનિક સહમતિ તરીકે રજૂ કરી દીધી. ગબાર્ડની ઓફિસે દાવો કર્યો છે કે, વર્ષ ૨૦૨૪માં અમેરિકી સંસદ (કોંગ્રેસ) સમક્ષ જ્યારે ફોસીની પૂછપરછ થઈ ત્યારે તેઓએ FBI અને CIA જેવી એજન્સીઓ સાથે કોરોના રિસર્ચ અંગે વાતચીત થઈ હોવાનો સાફ ઇનકાર કર્યો હતો, જે આ નવા દસ્તાવેજોથી તદ્દન વિપરીત સાબિત થાય છે.













