ફ્રાન્સમાં ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે ફ્રાન્સના રક્ષા અને સશસ્ત્ર દળોના મંત્રી સેબેસ્ટિયન લેકોર્નૂ સાથે મુલાકાત કરી છે. આ દરમિયાન બન્ને પક્ષો વચ્ચે દ્વિપક્ષીય રક્ષા સંબંધો અને અવકાશ સહયોગ વધારવા પર ચર્ચા થઈ હતી. આ ઉપરાંત વૈશ્વિક સ્થિતિ પર પણ ચર્ચા કરવામાં આવી હતી.


દ્વિપક્ષીય રક્ષા સંબંધો પર કરાઈ ચર્ચા

ફ્રાન્સમાં ભારતીય દૂતાવાસે ટ્ટીટ કરીને જણાવ્યું હતું કે, વાતચીતનો ઉદ્દેશ્ય દ્વિપક્ષીય રક્ષા સહયોગને મજબૂત બનાવવા, અવકાશ સહયોગ વધારવા અને ઉભરતા આંતરરાષ્ટ્રીય ભૌગોલિક રાજકીય પરિદ્રશ્ય પર મંતવ્યો શેર કરવાનો હતો. લેકોર્નૂએ મીટિંગ પછી ટ્ટીટ કરીને લખ્યું કે, અમે દ્વિપક્ષીય રક્ષા સહયોગ રાફેલ મરીન, સ્કોર્પિન સબમરીન, અંતરિક્ષ પર ચર્ચા કરી. આ સાથે યુક્રેન સહિતની આંતરરાષ્ટ્રીય સ્થિતિ વિશે પણ વાત કરી છે.

ભારતીય દૂતાવાસે ટ્વીટ કરી માહિતી આપી

ડોભાલ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનના રાજદ્વારી સલાહકાર ઈમેન્યુઅલ બોનેને પણ મળ્યા હતા. આ અંગે ભારતીય દૂતાવાસે ટ્વીટ કર્યું કે, આ સંવાદ ઈન્ડો-પેસિફિક અને સાયબરથી લઈને અવકાશમાં ઉચ્ચ મહત્વાકાંક્ષાઓ અને જવાબદારીઓ સાથે ભાગીદારીને પ્રોત્સાહન આપે છે.

રાફેલ મરીન જેટની ખરીદી કરાઈ ચર્ચા

આ પહેલા ફ્રાન્સે ભારતને 26 રાફેલ મરીન જેટની ખરીદી માટે અંતિમ કિંમત ઓફર કરી હતી. મળતી માહિતી મુજબ આ વખતે ફ્રાન્સે રકમમાં ઘટાડો કર્યો છે. ભારત નૌકાદળ માટે રાફેલ-એમ ડીલ માટે એ જ કિંમત રાખવા માંગે છે જે તેણે 2016માં એરફોર્સ માટે 36 એરક્રાફ્ટ ખરીદતી વખતે રાખી હતી. જો કે, આ ડીલની કિંમત 50 હજાર કરોડ રૂપિયાથી વધુ હોવાની આશા છે.

રાફેલ મરીન જેટ વિવિધ બેઝ પર તૈનાત કરાશે

ભારત અને ફ્રાન્સ 26 રાફેલ મરીન જેટ ખરીદવાના સોદા પર વાતચીત કરી રહ્યા છે. તેમને INS વિક્રાંત એરક્રાફ્ટ કેરિયર અને વિવિધ બેઝ પર તૈનાત કરવામાં આવશે. બન્ને પક્ષોએ ગયા અઠવાડિયે વાતચીત પણ કરી હતી, જ્યારે એક ફ્રેન્ચ ટીમ ભારત સાથેની ચર્ચાઓને અંતિમ સ્વરૂપ આપવા માટે રાષ્ટ્રીય રાજધાનીમાં હતી. ત્યારબાદ ફ્રાન્સની સરકાર અને દસોલ્ટ કંપનીના અધિકારીઓએ સંરક્ષણ મંત્રાલયની કોન્ટ્રાક્ટ નેગોશિયેશન કમિટી સાથે ચર્ચા કરી હતી.

  • Follow us on: