પાકિસ્તાનમાં શુક્રવારે સવારે એક બોમ્બ વિસ્ફોટ થયો હતો, જેમાં પાંચ સ્કૂલના બાળકો અને એક પોલીસકર્મી સહિત સાત લોકોનાં મોત નિપજયા છે. મળતી માહિતી અનુસાર આ વિસ્ફોટ પાકિસ્તાનના સૌથી અશાંત વિસ્તાર એવા બલૂચિસ્તાનમાં થયો હતો. જે બાદ આખો વિસ્તાર ધ્રૂજી ઉઠયો હતો અને આ ક્ષેત્રમાં ઈમરજન્સી જાહેર કરવાની નોબત આવી હતી. 


મળતી માહિતી અનુસાર, પાકિસ્તાનના મસ્તુંગ જિલ્લાની એક સ્કૂલ પાસે સિવિલ હોસ્પિટલ ચોકમાં સવારે 8.35 વાગ્યે વિસ્ફોટ થયો હતો. એક મોટરસાઇકલ પર IED (ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ) લગાવવામાં આવ્યું હતું, જેને દૂરથી વિસ્ફોટ કરાયો હતો. આ બ્લાસ્ટ સવારે પોલીસના મોબાઈલ વાહન પાસે થયો હતો.

શાળાના બાળકો ઘાયલ થયા છે

બોમ્બ વિસ્ફોટમાં સાત લોકોનાં મોત થયા હતા અને 22 લોકો ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્તોમાં મોટા ભાગના સ્કૂલના બાળકો છે. જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ સિવાય પાકિસ્તાનના મસ્તુંગ જિલ્લાના એક ચોકમાં થયેલા આ બોમ્બ વિસ્ફોટમાં પોલીસની એક કાર અને અનેક ઓટો-રિક્ષાને પણ નુકસાન થયું છે.

આ વિસ્ફોટ બાદ ક્વેટાની તમામ હોસ્પિટલોમાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. ઘટના બાદ ત્યાંના તમામ તબીબો, ફાર્માસિસ્ટ, સ્ટાફ, નર્સો અને આરોગ્ય વિભાગના કર્મચારીઓને હોસ્પિટલમાં બોલાવવામાં આવ્યા છે.

તાજેતરમાં પણ એક બ્લાસ્ટ થયો હતો

થોડા દિવસો અગાઉ પણ પાકિસ્તાનના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં બોમ્બ વિસ્ફોટ થયો હતો, જેમાં બે બાળકોનાં મોત થયા હતા અને 16 લોકો ઘાયલ થયા હતા. તે સમયે પણ બોમ્બ મોટરસાયકલમાં રાખવામાં આવ્યો હતો અને તેને રિમોટ કંટ્રોલ વડે બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. આ બ્લાસ્ટ પિશિનમાં પોલીસ હેડક્વાર્ટર પાસે કરવામાં આવ્યો હતો. જેમાં 7 પોલીસકર્મી પણ ઘાયલ થયા છે. જે બાદ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ ઘટના સ્થળે તપાસ માટે તૈનાત કરવામાં આવી હતી.


  • Follow us on: