પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને કોર્ટમાં એક અરજી કરી છે. જેમાં ઈમરાન ખાને કોર્ટે વિનંતી કરી છે કે, તેને જેલમાંથી છોડી મૂકવામાં આવે. કોર્ટને અપીલ કરી કે તેને 19 કરોડ પાઉન્ડના ભ્રષ્ટાચાર કેસમાં સંશોધિત કાયદાના આધારે છોડી મૂકવામાં આવે.
મળતી માહિતી અનુસાર, 71 વર્ષીય પાકિસ્તાન તહેરિક-એ-ઈન્સાફના સંસ્થાપક ઈમરાન ખાને સરકારી એનએબી કાયદામાં સંશોધન કરવાને લઈ પડકાર આપ્યો છે. પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝની આગેવાની ધરાવતી તત્કાલીન પાકિસ્તાન ડેમોક્રેટિક મુવમેન્ટની સરકારે વર્ષ-2022માં આ કાયદાઓમાં સંશોધન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, ઈમરાન ખાન છેલ્લા ઓગસ્ટ મહિનાથી જેલમાં હવા ખાઈ રહ્યા છે.
સુપ્રીમ કોર્ટે આ સુધારાઓને પુનઃસ્થાપિત કર્યા
તમને જણાવી દઈએ કે ગયા વર્ષે 15 સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટની બેન્ચે NABના સુધારાને ફગાવી દીધા હતા. જો કે, શુક્રવારે, પાકિસ્તાનના મુખ્ય ન્યાયાધીશ કાઝી ફૈઝ ઈસાની આગેવાની હેઠળની સર્વોચ્ચ કોર્ટની બેન્ચે સરકારની સમીક્ષા અરજીના જવાબમાં આ સુધારાઓને પુનઃસ્થાપિત કર્યા.
કાયદામાં શું સુધારો કરવામાં આવ્યો
NAB કાયદામાં અનેક સુધારા કરવામાં આવ્યા છે. તેમાં NABના અધ્યક્ષ અને પ્રોસીક્યુટર જનરલનો કાર્યકાળ ઘટાડીને ત્રણ વર્ષ કરવાનો, પાકિસ્તાની રૂપિયા 500 મિલિયનથી વધુના કેસમાં બ્યૂરોના અધિકારક્ષેત્રને મર્યાદિત કરવાનો અને તમામ પડતર પૂછપરછ, તપાસ અને ટ્રાયલ સંબંધિત અધિકારીઓને ટ્રાન્સફર કરવાનો સમાવેશ થાય છે.
NABનું ઉલ્લંઘન કર્યું
ઈમરાન ખાને પોતાની અરજીમાં કહ્યું હતું કે સંશોધિત કાયદો ફેડરલ કેબિનેટ દ્વારા લેવામાં આવેલા નિર્ણયોનું રક્ષણ કરે છે. એનએબીએ રાજકીય હરીફોના કહેવા પર ઈમરાન ખાન અને અન્ય આરોપીઓ સામે કાર્યવાહી શરૂ કરી હતી. NAB જાણતી હતી કે આ મામલો નેશનલ એકાઉન્ટેબિલિટી ઓર્ડિનન્સ, 1999ના દાયરામાં આવતો નથી, પરંતુ તે તેના અધિકારક્ષેત્રને ઓળંગી ગયો હતો.
ઈમરાન ખાન પર ગંભીર આરોપો
પાકિસ્તાનની સરકારી કાયદાકીય સંસ્થા એનએબીએ આરોપ લગાવ્યો હતો કે ખાને પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે 3 ડિસેમ્બર, 2019ના રોજ યોજાયેલી કેબિનેટ બેઠકની અધ્યક્ષતા કરી હતી. બ્યૂરોએ ઈમરાન ખાન પર આ મંજૂરી માટે પોતાની સત્તાનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. બ્યૂરોનું કહેવું છે કે બદલામાં તેમને તાલુકા સોહાવામાં આશરે 458 કનાલ જમીન, 285 મિલિયન પાકિસ્તાની રૂપિયા અને અલ-કાદિર યુનિવર્સિટી પ્રોજેક્ટ ટ્રસ્ટને દાનની આડમાં અન્ય લાભો મળ્યા હતા.