પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાનની પત્ની બુશરા બીબી 265 દિવસ પછી જેલમાંથી મુક્ત થયા છે. તેઓને બુધવારે જ ઈસ્લામાબાદ હાઈકોર્ટમાંથી તોશાખાના કેસમાં જામીન મળી ગયા હતા. કેસની તપાસ કરી રહેલા અધિકારીએ કોર્ટને જણાવ્યું કે, આ કેસમાં ભવિષ્યમાં કોઈ વધારાની તપાસની કોઈ જરૂર નથી.
તોશાખાના કેસ શું છે?
પાકિસ્તાનનો ચર્ચાસ્પદ કેસ એટલે તોશાખાના કેસ. સરકારનો એક વિભાગ છે તોશાખાના. જ્યાં વડાપ્રધાન અથવા પાકિસ્તાન સરકારને મળેલી ગીફ્ટને રાખવામાં આવે છે. પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન સામે આરોપ છે કે, વર્ષ-2018થી 2022 દરમ્યાન તેઓએ આશરે 14 કરોડની ભેટને સસ્તા ભાવે ખરીદીને પોતાની પાસે રાખી લીધા છે. આમાં ઘણી મૂલ્યવાન ગીફ્ટ હતી જેમાં ઘડિયાળ, વીંટી અને કિંમતી પેન પણ સામેલ હતા.
બુશરા બીબીની આ વર્ષે 31 જાન્યુઆરીએ ધરપકડ કરવામાં આવી હતી જ્યારે કોર્ટે તેને તોશાખાના કેસમાં 14 વર્ષની જેલની સજા ફટકારી હતી. બુધવારે, ન્યાયાધીશ મિયાંગુલ હસન ઔરંગઝેબે ભૂતપૂર્વ પ્રથમ મહિલાની જામીન અરજી સ્વીકારી અને 10 લાખ રૂપિયાના બોન્ડ પર તેઓને જામીન આપ્યા હતા.
જામીન મળ્યાના 24 કલાક બાદ મુક્ત થયાં
પૂર્વ પીએમ ઈમરાન ખાનની પત્ની બુશરા બીબીના વકીલોની ટીમ ગુરુવારે રિલીઝ ઓર્ડર સાથે રાવલપિંડીની અદિયાલા જેલના ગેટ નંબર-5 પર પહોંચી અને પ્રક્રિયા પૂરી થયા બાદ બુશરા બીબીને મુક્ત કરવામાં આવ્યાં હતાં. પીટીઆઈના વકીલોએ જણાવ્યું કે બુધવારે કોઈ અધિકારીની ગેરહાજરીને કારણે તેઓ જામીન બોન્ડ ભરી શક્યા નહોતા જેના કારણે બુશરા બીબીની મુક્તિમાં 24 કલાકથી વધુ સમય લાગ્યો હતો.
બુશરા બીબી 265 દિવસ બાદ જેલમાંથી છૂટયાં
મળતી માહિતી મુજબ બુધવારે વરિષ્ઠ સ્પેશિયલ જજ શાહરૂખ અર્જુમંદ અને સ્પેશિયલ જજ હુમાયુ દિલાવરની ગેરહાજરીને કારણે ઈસ્લામાબાદની એકાઉન્ટેબિલિટી કોર્ટમાંથી રિલીઝ ઓર્ડર આપવામાં 24 કલાકનો સમય લાગ્યો હતો. ગુરુવારે મુક્તિનો આદેશ મળતાની સાથે જ વકીલોની ટીમ અદિયાલા જેલમાં પહોંચી અને 265 દિવસ બાદ પૂર્વ વડાપ્રધાનની પત્નીને મુક્ત કરી શકાઈ. ઈમરાન ખાન પણ છેલ્લા એક વર્ષથી રાવલપિંડીની અદિયાલા જેલમાં બંધ છે. પાકિસ્તાન સરકારે તેમના પર તોશાખાના કૌભાંડ સહિત અનેક આરોપો લગાવ્યા છે.













