પાડોશી દેશ પાકિસ્તાનના સૌથી અશાંત એવા ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં શુક્રવારે સવારે આતંકવાદી હુમલાની ઘટના સામે આવી છે. આતંકવાદીઓએ સુરક્ષાદળની ચોકી પર હુમલો કર્યો હતો. જેમાં 10 જવાનો મોતને ભેટયા હતા અને ત્રણ ઈજાગ્રસ્ત થયા હતા. ડેરા ઈસ્માઈલ ખાન જિલ્લાના દારાબાન વિસ્તારમાં તપાસ ચોકી પર થયેલા હુમલા પછી અથડામણમાં તમામ જવાનોના મોત થયા હતા. 


 

હુમલાની જવાબદારી કોઈએ લીધી નથી

મળતી માહિતી અનુસાર, આ હુમલા બાદ તરત જ સૈનિકોની ટુકડી ઘટનાસ્થળે પહોંચી હતી અને હુમલાખોરોને પકડવા માટે મોટાપાયે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. અન્ય એક અધિકારીએ જણાવ્યું કે હુમલામાં 10 સૈનિકોના જીવ ગયા. હજુ સુધી કોઈ જૂથે હુમલાની જવાબદારી લીધી નથી.

પાકિસ્તાનમાં આતંકવાદી ઘટનાઓમાં સતત વધારો

તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનઆ વિસ્તારમાં ખૂબ જ સક્રિય છે અને આવા અનેક હુમલાઓમાં સુરક્ષા દળોને નિશાન બનાવવામાં આવ્યા છે. પાકિસ્તાન સતત ટીટીપી પર અફઘાનિસ્તાનમાં સુરક્ષિત આશ્રયસ્થાનોથી પ્રવૃત્તિઓ કરવાનો આરોપ લગાવી રહ્યું છે. વર્ષ-2021માં અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં તાલિબાનની સરકાર બની ત્યારથી પાકિસ્તાનમાં આતંકવાદની ઘટનાઓ સતત વધી છે.

પાકિસ્તાનના પંજાબમાં TTP આતંકવાદીઓ ઠાર મરાયા

આ દરમિયાન પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં સુરક્ષાદળોને એક મોટી સફળતા મળી છે. સુરક્ષાદળોએ તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)ના 10 આતંકવાદીઓને ઠાર કર્યા છે. પાકિસ્તાની પોલીસે જણાવ્યું હતું કે, પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ભીષણ ગોળીબાર થયો હતો, ત્યારબાદ કાયદા અમલીકરણ એજન્સીઓએ પ્રતિબંધિત તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન જૂથના ઓછામાં ઓછા 10 આતંકવાદીઓને મારી નાખ્યા હતા. સુરક્ષાદળોએ માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી હથિયારો, દારૂગોળો અને વિસ્ફોટકો જપ્ત કર્યા છે.


  • Follow us on: