• સાઉદી અરેબિયાએ પાકિસ્તાનની સેન્ટ્રલ બેંકને 2 અબજ બિલિયન મોકલ્યા
  • આ સહાય IMFના બેલઆઉટ પેકેજ બાદ દેશની કથળતી અર્થવ્યવસ્થાને સુધારવામાં મદદ કરશે
  • હું વડાપ્રધાન અને સેના પ્રમુખ વતી સાઉદી અરેબિયાનો આભાર માનું છું: ઈશાક ડાર

ભારતના પડોશી દેશ પાકિસ્તાનના નાણામંત્રી ઈશાક ડારે મંગળવારે (11 જુલાઈ)ના રોજ માહિતી આપતાં કહ્યું હતું કે, સાઉદી અરેબિયાએ પાકિસ્તાનની સેન્ટ્રલ બેંકને 2 બિલિયન ડોલર મોકલ્યા છે. તેમણે કહ્યું હતું કે, આ સહાય આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF)ના બેલઆઉટ પેકેજ બાદ દેશની કથળતી અર્થવ્યવસ્થાને સુધારવામાં મદદ કરશે.

પાકિસ્તાનના નાણાપ્રધાન ઈશાક ડારે રેકોર્ડ કરેલા વિડિયોમાં કહ્યું હતું કે, હું વડાપ્રધાન અને સેના પ્રમુખ વતી સાઉદી અરેબિયાનો આભાર માનું છું. સાઉદી અરેબિયા દ્વારા આપવામાં આવતી નાણાકીય સહાય કેન્દ્રીય બેંકના ઘટતા વિદેશી અનામતને વધારવામાં મદદ કરશે. હાલના સમયમાં પાકિસ્તાનનું ફોરેન રિઝર્વ માત્ર 1 મહિના માટે જ બચ્યું હતું.

સાઉદી અરેબિયાની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી

નાણાપ્રધાન ઈશાક ડારે દરેક મુશ્કેલ પરિસ્થિતિમાં પાકિસ્તાનની પડખે ઊભા રહેવાની સાઉદી અરેબિયાની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી હતી. તેમણે વડાપ્રધાન શહબાઝ શરીફ અને આર્મી ચીફ (COS) જનરલ અસીમ મુનીર વતી સાઉદી અરેબિયાના નેતૃત્વનો પણ આભાર માન્યો હતો. નાણામંત્રીએ કહ્યું હતું કે પાકિસ્તાનની અર્થવ્યવસ્થા યોગ્ય દિશામાં આગળ વધી રહી છે અને આવનારા દિવસોમાં પાકિસ્તાન માટે વધુ સારા વિકાસની અપેક્ષા છે.

આ સિવાય તેમણે કહ્યું હતું કે સાઉદી અરેબિયા દ્વારા જમા કરવામાં આવેલા નાણાં પાકિસ્તાનને વિદેશી અનામત સ્થાપિત કરવામાં મદદ કરશે. 28 જૂને પાકિસ્તાને IMF તરફથી 3 અબજ ડોલરના પેકેજના દસ્તાવેજો પર હસ્તાક્ષર કર્યા છે.

મિત્ર દેશો પાસેથી લેખિત બાંયધરી માંગ

નોંધનીય છે કે, IMFએ પાકિસ્તાન સરકારને ડિપોઝિટની રકમ માટે મિત્ર દેશો પાસેથી લેખિત ગેરંટી લેવાની માંગ કરી હતી. 30 જૂનના રોજ પાકિસ્તાને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) સાથે 3 અબજ ડોલરના અધિકારી-સ્તરના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) એ જાહેરાત કરી હતી કે તેમણે 9 મહિના માટે પાકિસ્તાન સાથે 3 અબજ ડોલરની સ્ટેન્ડ-બાય એરેન્જમેન્ટમાં સફળતાપૂર્વક પ્રવેશ કર્યો છે. આ કરારની અંતિમ મંજૂરી IMFના એક્ઝિક્યુટિવ બોર્ડ દ્વારા આપવામાં આવશે જે જુલાઈના મધ્યમાં અપેક્ષિત છે. આ મંજૂરી બાદ પાકિસ્તાનને 3 અબજ ડોલરની લોન મળી શકે છે.


  • Follow us on: