વિદેશ મંત્રી એસ. જયશંકર બુધવારે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સંમેલનમાં ભાગ લેવા માટે મંગળવારે પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ પહોંચ્યા હતા. જ્યાં અધિકારીઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જયશંકર SCO સભ્ય દેશોના પ્રતિનિધિઓનું સ્વાગત કરવા માટે પાકિસ્તાનના વડાપ્રધાન શેહબાઝ શરીફ દ્વારા આયોજિત ભોજન સમારંભમાં હાજરી આપે તેવી શક્યતા છે.
જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ સંબંધો વધુ બગડ્યા હતા
15 અને 16 ઓક્ટોબરે યોજાનારી SCO સમિટમાં ભાગ લેવા પાકિસ્તાન પહોંચેલા જયશંકર ત્યાં 24 કલાકથી ઓછો સમય વિતાવશે. જયશંકરની આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે ભારત અને પાકિસ્તાનના સંબંધો ખાસ નથી. ફેબ્રુઆરી 2019માં પુલવામા હુમલા અને ત્યારબાદ બાલાકોટ એરસ્ટ્રાઈક બાદથી બન્ને દેશો વચ્ચેના સંબંધોમાં તણાવ છે. ઓગસ્ટ 2019માં જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ સંબંધો વધુ બગડ્યા હતા. તાજેતરમાં જ એક કાર્યક્રમમાં જયશંકરે કહ્યું હતું કે, 'કોઈપણ પાડોશીની જેમ ભારત ચોક્કસપણે પાકિસ્તાન સાથે સારા સંબંધો રાખવા ઈચ્છશે. પરંતુ જો સીમાપારથી આતંકવાદ ચાલુ રહેશે તો આવું થઈ શકશે નહીં.
SCO શું છે?
એપ્રિલ 1996માં એક મીટિંગ થઈ. તેમાં ચીન, રશિયા, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન અને તાજિકિસ્તાને ભાગ લીધો હતો. આ બેઠકનો હેતુ વંશીય અને ધાર્મિક તણાવ દૂર કરવા માટે એકબીજાને સહકાર આપવાનો હતો. ત્યારે તેને 'શાંઘાઈ ફાઈવ' કહેવામાં આવતું હતું. જો કે, તેના ખરા અર્થમાં તેની રચના 15 જૂન 2001ના રોજ થઈ હતી. ત્યારબાદ ચીન, રશિયા, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાને 'શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન'ની સ્થાપના કરી. આ પછી વંશીય અને ધાર્મિક તણાવ દૂર કરવા ઉપરાંત બિઝનેસ અને રોકાણ વધારવા પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો.
1996માં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની કરાઈ સ્થાપના
1996માં જ્યારે શાંઘાઈ ફાઈવની રચના કરવામાં આવી હતી, ત્યારે તેનો ઉદ્દેશ્ય ચીન અને રશિયાની સરહદો પર તણાવને રોકવાનો હતો અને તે સરહદોને કેવી રીતે સુધારી શકાય. કારણ કે તે સમયે રચાયેલા નવા દેશોમાં તણાવ હતો. આ ઉદ્દેશ્ય માત્ર ત્રણ વર્ષમાં હાંસલ કરવામાં આવ્યો હતો. તેથી તે સૌથી અસરકારક સંસ્થા માનવામાં આવે છે.