- પાકિસ્તાનની અર્થવ્યવસ્થા ચૂકવણીમાં ડિફોલ્ટ થવાના આરે
- પાકિસ્તાનને નજીકના સાથી ચીન પાસેથી એક અબજ ડોલર મળ્યા
- પાકિસ્તાનનો મુદ્રા ભંડાર લગભગ 3.9 અબજ અમેરિકન ડોલર થયો
આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનને પોતાના નજીકના સાથી ચીન પાસેથી એક અબજ ડોલર મળ્યા છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) પાસેથી લોન સહાય મેળવવા અંગે અનિશ્ચિતતા વચ્ચે ખૂબ જ ઓછા વિદેશી અનામત સાથે સંઘર્ષ કરી રહેલા દેશને આ મદદથી ઘણી રાહત મળશે. સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાનએ શુક્રવારે રાત્રે તેના વિશે કોઈ અન્ય વિગતો શેર કર્યા વિના ચીન પાસેથી રકમની પ્રાપ્તિની પુષ્ટિ કરી હતી. હાલના અઠવાડિયામાં પાકિસ્તાનનો મુદ્રા ભંડાર લગભગ 3.9 અબજ અમેરિકન ડોલર થઈ ગયું છે.
અગાઉ નાણાપ્રધાન ઈશાક ડારે કહ્યું હતું કે પાકિસ્તાને ગયા સોમવારે ચીનને 1.3 અબજ ડોલરની જવાબદારી સામે એક અબજ યુએસ ડોલર ચૂકવ્યા હતા. તેમને આશા હતી કે આ રકમ પરત મળશે. પાકિસ્તાનની અર્થવ્યવસ્થા ચૂકવણીમાં ડિફોલ્ટ થવાના આરે છે. IMFએ તેને 2019માં 6.5 બિલિયન ડોલરની લોન સહાય આપવા સંમતિ આપી હતી પરંતુ તેમાંથી તેને 2.5 બિલિયન ડોલર મળ્યા નથી. IMFએ આ રકમ છોડવા માટે કેટલીક શરતો મૂકી છે. તો બીજી તરફ પાકિસ્તાનનું કહેવું છે કે તેણે IMFની શરતો પહેલા જ પૂરી કરી દીધી છે. IMFનો ડેટ સપોર્ટ પ્રોગ્રામ 30 જૂને સમાપ્ત થઈ રહ્યો છે.













