• ચીને સંકટગ્રસ્ત પાક. માટે 130 કરોડ ડોલરની લોનના રોલઓવરને મંજૂરી આપી
  • અગાઉ વિદેશી મુદ્રા ભંડારમાં વધારો કરવા માટે ચીને 70 કરોડ ડોલરની લોન આપી
  • આર્થિક સંકટમાં ડૂબેલા પાકિસ્તાને IMF સહિત દુનિયાભરના દેશો પાસેથી લોનની માંગ કરી

પાકિસ્તાનના નાણાપ્રધાન ઈશાક ડારે જણાવ્યું હતું કે, ઈન્ડસ્ટ્રિયલ એન્ડ કમર્શિયલ બેંક ઓફ ચાઈના લિમિટેડે શુક્રવારે સંકટગ્રસ્ત પાક. માટે 130 કરોડ ડોલરની લોનના રોલઓવરને મંજૂરી આપી હતી. તેનાથી તેના ઘટતા વિદેશી મુદ્રા ભંડારને વધારવામાં મદદ મળશે.આ લોન 3 હપ્તામાં ચૂકવવામાં આવશે.ડારે એક ટ્વિટમાં કહ્યું હતું કે,સેન્ટ્રલ બેંક ઓફ પાકિસ્તાનને પ્રથમ તબક્કામાં 50 કરોડ ડોલર મળ્યા છે. તેમણે કહ્યું હતું કે, 'આનાથી ફોરેક્સ રિઝર્વ વધશે.'

પહેલા 70 કરોડ ડોલરની લોન મળી

ડારે કહ્યું હતું કે, તાજેતરના મહિનાઓમાં પાકિસ્તાન દ્વારા ICBCને ચૂકવવામાં આવેલા નાણાં દક્ષિણ એશિયાની અર્થવ્યવસ્થા માટે મહત્વપૂર્ણ છે જે ચુકવણી સંતુલન સંકટનો સામનો કરી રહી છે. પાકિસ્તાનને તેના વિદેશી મુદ્રા ભંડારમાં વધારો કરવા માટે ચીન પાસેથી 70 કરોડ ડોલરની લોન મળી ચૂકી છે.

નાણામંત્રીએ ડિફોલ્ટ જોખમની ચિંતા પર શું કહ્યું?

તેમણે કહ્યું હતું કે જૂનમાં પૂરા થતા આ નાણાકીય વર્ષમાં પાકિસ્તાનને પોતાના નાણાકીય અંતરને ભરવા માટે ધિરાણમાં 5 અબજ ડોલરની જરૂર પડશે. ઈસ્લામાબાદ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફ) સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા પછી જ પાકિસ્તાનને વધુ બાહ્ય ધિરાણ મળશે. ડારે ડિફોલ્ટ જોખમની ચિંતાઓને ફગાવી દેતાં કહ્યું હતું કે, ઈશ્વરની ઈચ્છા હશે તો અમે આ દેશને આ દલદલમાંથી બહાર કાઢીશું.

ગરીબીમાં ડૂબેલા પાકે સમગ્ર વિશ્વ પાસે મદદ માંગી

તમને જણાવી દઈએ કે, આર્થિક સંકટમાં ડૂબેલા પાકિસ્તાને IMF સહિત દુનિયાભરના દેશો પાસેથી લોનની માંગ કરી છે. પરંતુ તમામ જગ્યાએથી તેઓને ખાલી હાથ પાછા ફરવું પડ્યું હતું. આવી સ્થિતિમાં હવે ચીનની આ મદદ પાકિસ્તાન માટે મોટી મદદ છે. જો કે, ભૂતકાળમાં એવું પણ નોંધાયું હતું કે પાકિસ્તાને આશા સાથે વિશ્વના સૌથી શક્તિશાળી પરિવારોમાંના એક રોથચાઈલ્ડ પરિવાર સુધી પહોંચ્યું છે. રોથચાઈલ્ડ પરિવાર રોથચાઈલ્ડ એન્ડ કંપની નામની બહુરાષ્ટ્રીય ધિરાણ કંપની ચલાવે છે. આ કોઈ નાની લોન કંપની નથી પરંતુ ઘણા દેશોને લોન આપતી મલ્ટિ-બિલિયન ડોલર ફર્મ છે. આ કંપનીએ અત્યાર સુધીમાં લગભગ 30 દેશોને નાણાકીય મદદ આપીને ડિફોલ્ટર થવાથી બચાવ્યા છે.


  • Follow us on: