સ્પેન દેશમાં ગત મંગળવારથી દક્ષિણ અને પૂર્વ વિસ્તારમાં પૂરની સ્થિતિ યથાવત્ છે. આ સ્થિતિ મૂશળાધાર વરસાદને લીધે થઈ હતી. આ પૂરથી ચારેબાજુ પાણીની સાથે કાદવ-કીચડના થર જામી ગયા છે. જેના લીધે લોકો પોતાના મકાનોમાં કેદ થવા મજબૂર બન્યા છે. આ દરમ્યાન સ્પેનના એક પર્યટન સ્થળમાં ભારે વરસાદને લીધે સંપૂર્ણ રીતે બંધ કરાયું છે. વેલેન્સિયામાં 2000 લોકો ગુમ હોવાનું સામે આવ્યું છે. રિપોર્ટ પ્રમાણે પૂરમાં અત્યાર સુધી 205થી વધુ લોકો મોતને ભેટયા છે. પરંતુ 400 લોકો મર્યાની આશંકા વ્યક્ત કરાઈ છે.
પૂરમાં ખોવાઈ ગયેલા લોકોની જાણકારી મેળવવા સોશિયલ મીડિયા પર ઝડપથી કામ ચાલી રહ્યું છે. જે આવી જાણકારી આપવા માટે એક સંસ્થા કામ કરી રહી છે. અત્યાર સુધી બે હજાર લોકો ખોવાઈ ગયા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે.
સ્પેનમાં 205થી વધુ લોકોનાં મોત થયા
આ દુર્ઘટનામાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. અધિકારીઓનું કહેવું છે કે અત્યાર સુધીમાં 205 લોકોનાં મોત થયા છે, જ્યારે 400 લોકોનાં મોતની આશંકા છે. ગઈકાલે મૃત્યુઆંક 150 હતો જે આજે 200ને પાર કરી ગયો છે. આવનારા સમયમાં આ સંખ્યા વધુ વધી શકે છે. આ બધાની વચ્ચે આશરે 2000 લોકો ગુમ થયા હોવાના અહેવાલ છે.
લોકોને સતત ચેતવણી આપવામાં આવી રહી છે
પૂરના કારણે બગડતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક લોકોને અત્યંત જરૂરી હોય ત્યારે જ ઘરની બહાર આવવા માટે કહેવામાં આવ્યું હતું. પરંતુ ગુમ થયેલા લોકોના પરિવારજનો તેમને શોધવા માટે તલપાપડ છે. મેનેજમેન્ટનું કહેવું છે કે અમે રેડ એલર્ટ પર નથી, પરંતુ વધુ જોખમ ટાળવા માટે લોકોને ચેતવણી આપવી જરૂરી છે. હાલમાં, મેનોર્કાના પૂર્વ ભાગ માટે રેડ એલર્ટ અને ટાપુના પશ્ચિમ ભાગ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. અહીં સ્થિતિ એટલી ખરાબ છે કે રસ્તાઓ પર કારમાંથી અનેક મૃતદેહો મળી રહ્યા છે. પૂરના કારણે વેલેન્સિયાની આસપાસના રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા છે.
પૂરને લઈ સ્પેનમાં ત્રણ દિવસનો સત્તાવાર શોક જાહેર
સ્પેનના વડાપ્રધાને પણ પીડિતો માટે ગુરુવારથી ત્રણ દિવસનો સત્તાવાર શોક જાહેર કર્યો છે. ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરતા તેણે લખ્યું કે 'DANA ચાલુ છે, કૃપા કરીને ઈમરજન્સી સેવાઓની ભલામણો પર ધ્યાન આપો. અત્યારે સૌથી મહત્વની બાબત એ છે કે દરેક વ્યક્તિને બચાવવો.' તેમણે આગળ લખ્યું કે 'સ્પેન સરકાર પીડિતો અને તેમના પરિવારોની સાથે છે.'