શ્રીલંકામાં સાંબેલાધાર વરસાદને લીધે વિનાશ વેરાયો છે. મે મહિનાથી શરૂ થયેલો વિનાશકારી વરસાદ હજી રોકાવાનું નામ નથી લઈ રહ્યો. અત્યાર સુધી આમાં એક લાખ 34 હજાર પ્રભાવિત થઈ ચુક્યા છે. હવે ફરી શ્રીલંકાની રાજધાની કોલંબોના ઘણા વિસ્તારોમાં ભારે વિનાશ જોવા મળ્યો છે. લોકોનાં મકાનો, દુકાનોના છત સુધી પાણી પહોંચી ગયું છે. જેથી શ્રીલંકામાં સોમવારે કોલંકબોમાં પરા વિસ્તારની તમામ શાળાઓ-કૉલેજ બંધ કરી દેવામાં આવી હતી. 


 

ભારે વરસાદને કારણે ટાપુઓ ધરાવતા દેશ એવા શ્રીલંકામાં મોટાભાગમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. આ અઠવાડિયે, ભારે વરસાદે દેશના ઘણા ભાગોમાં વિનાશ સર્જ્યો છે, મકાનો, ખેતરો અને રસ્તાઓ પર પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. દેશના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટરના જણાવ્યા અનુસાર ત્રણ લોકો ડૂબી ગયા છે. કેન્દ્રએ જણાવ્યું હતું કે ભારે વરસાદ અને પૂરના કારણે 240 મકાનો નષ્ટ થયા છે અને આશરે સાત હજાર લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે. સત્તાવાળાઓએ સાવચેતીના ભાગરૂપે કેટલાક વિસ્તારોમાં વીજકાપ મૂક્યો છે.

છેલ્લા પાંચ મહિનાથી પૂરના કારણે પરિસ્થિતિ વણસી છે

પૂરથી પીડિતોને બચાવવા માટે નેવી અને આર્મીના સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે, જેઓ તેમને ખોરાક અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓ આપવામાં પણ મદદરૂપ છે. શ્રીલંકા મે મહિનાથી ગંભીર હવામાન પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યું છે, મુખ્યત્વે ભારે ચોમાસાના વરસાદને કારણે. જૂન મહિનામાં પૂર અને ભૂસ્ખલનને કારણે 16 લોકોનાં મોત થયા હતા અને એક લાખથી વધુ લોકો પ્રભાવિત થયા હતા.

રસ્તાઓ પાણીથી ભરેલા છે અને શ્રીલંકાના લોકો છેલ્લા પાંચ મહિનાથી આ સ્થિતિનો સામનો કરી રહ્યા છે. વર્ષ 2021માં શ્રીલંકામાં ભારે વરસાદે આવી જ આફત સર્જી હતી. ત્યારે અનેક લોકોના ઘર પૂરની ઝપેટમાં આવી ગયા હતા. પાંચ હજાર લોકો વિસ્થાપિત થયા. તે સમયે પણ પૂરના કારણે ઘણો વિનાશ થયો હતો.


  • Follow us on: