• કાચબાનું માંસ ખાવાથી નવ લોકોનાં મોત થયા
  • દરિયાઈ કાચબાનું માંસ અત્યંત ઝેરી હોય છે
  • સ્થાનિક આરોગ્ય તંત્રએ કાચબાનું માંસ ન ખાવાની વિનંતી કરી

આફ્રિકાના દેશ તંઝાનિયાની પાસે ઝાંઝીબાર દ્વીપમાં કાચબાનું માંસ ખાવાનું લોકોને ભારે પડી ગયું. અહીં ઝાંઝીબાર ટાપુઓના પેમ્બા ટાપુ પર દરિયાઈ કાચબાનું માંસ ખાવાથી 8 બાળકો અને 1 મહિલાનું મોત થયું હતું. આ સિવાય હજુ સુધી અન્ય 78 લોકોની તબિયત લથડી છે. તબિયત લથડતા તમામ લોકોને જલ્દી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અધિકારીઓએ શનિવારે આ માહિતી આપી. તમને જણાવી દઈએ કે દરિયાઈ કાચબાનું માંસ અત્યંત ઝેરી હોય છે, જેના કારણે તેને ન ખાવાની સલાહ આપવામાં આવે છે.

મંગળવારે માંસ ખાધું

ઝાંઝીબારના લોકો દરિયાઈ કાચબાનું માંસ ખૂબ જ ઉત્સાહથી ખાય છે. જો કે, તેના કારણે અવારનવાર ફૂડ પોઇઝનિંગના કારણે મોતના બનાવો નોંધાતા રહે છે. આ સમગ્ર ઘટના અંગે મકોની જિલ્લા તબીબી અધિકારી ડો. હાજીએ જણાવ્યું હતું કે શનિવારે સાંજે ઝેરી ખોરાક ખાવાથી એક મહિલાનું મોત થયું હતું. તેમણે જણાવ્યું કે દરિયાઈ કાચબાનું માંસ ખાવાથી મૃત્યુ પામેલા બાળકોમાં આ મહિલાનું એક બાળક પણ સામેલ હતું. તેણે જણાવ્યું કે આ લોકોએ મંગળવારે કાચબાનું માંસ ખાધું હતું.

કાચબાનું માંસ ન ખાવાની વિનંતી કરી

માહિતી આપતા જિલ્લા મેડિકલ ઓફિસર ડો.હાજીએ જણાવ્યું હતું કે લેબોરેટરી ટેસ્ટમાં પુષ્ટિ થઈ છે કે તમામ લોકોએ દરિયાઈ કાચબાનું માંસ ખાધું હતું. ઘટના પછી, પૂર્વ આફ્રિકન દેશ તાંઝાનિયાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ મોકલી, જેણે લોકોને દરિયાઈ કાચબાનું માંસ ન ખાવા વિનંતી કરી. એ જ રીતે, નવેમ્બર-2021માં પેમ્બામાં કાચબાનું માંસ ખાવાથી ત્રણ વર્ષનાં બાળક સહિત સાત લોકોનાં મોત થયા હતા. તે સમયે અન્ય ત્રણ લોકો પણ બીમાર પડ્યા હતા અને તેમને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા.

  • Follow us on: