- છેલ્લા કેટલાક દિવસોથી મધ્ય પૂર્વમાં શાંતિ
- ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ
- હમાસે અનેક ઇઝરાયલી લોકોને કર્યા મુક્ત
છેલ્લા કેટલાક દિવસોથી મધ્ય પૂર્વમાં શાંતિ છે. તેનું કારણ એ છે કે ઈઝરાયેલ અને હમાસ વચ્ચે શાંતિ છે. બંને વચ્ચે યુદ્ધવિરામ પર સમજૂતી થઈ છે, આ યુદ્ધવિરામ દરમિયાન હમાસ ઇઝરાયલી લોકોને તેની કેદમાંથી મુક્ત કરી રહ્યું છે, જ્યારે ઇઝરાયેલ તેની જેલોમાં પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરી રહ્યું છે.
ગાઝામાં પણ છેલ્લા ચાર-પાંચ દિવસમાં બોમ્બ ધડાકા બંધ થઈ ગયા છે, જેના કારણે લોકોને આશા છે કે તેઓ ટૂંક સમયમાં સામાન્ય જીવનમાં પાછા આવી શકશે. સંયુક્ત રાષ્ટ્ર અને અમેરિકા ગાઝા પટ્ટીમાં સતત માનવતાવાદી સહાય મોકલી રહ્યા છે. અમેરિકાએ કહ્યું છે કે તેણે ગાઝામાં પેલેસ્ટિનિયન લોકોને 29,494 કિલો માનવતાવાદી સહાય પહોંચાડી છે.
ઇઝરાયેલની સેનાના પ્રવક્તા ડેનિયલ હગારીએ યુદ્ધવિરામ સમાપ્ત થયા બાદ ફરી યુદ્ધ શરૂ કરવાનો સંકેત આપ્યો છે. તેમણે કહ્યું છે કે બંધકોને યુદ્ધવિરામ અથવા લડાઈ દ્વારા દેશમાં પાછા લાવવામાં આવશે. ઈઝરાયલ આર્મીના અન્ય અધિકારીઓ અને નેતાઓએ પણ કંઈક આવું જ કહ્યું છે. ભારતમાં ઇઝરાયલના રાજદૂત નાઓર ગિલોને કહ્યું છે કે, યુદ્ધવિરામ સમાપ્ત થતાં જ અમે અમારા મિશન પર પાછા ફરીશું. એકવાર તેઓ બંધકોને મુક્ત કરવાનું બંધ કરી દે, અમે જે આયોજન કર્યું હતું તે કરવાનું શરૂ કરીશું. અમે હમાસને ઉથલાવીશું. તેણે ફરીથી યુદ્ધ શરૂ કરવાની વાત કરી છે.
અલજઝીરાના અહેવાલ મુજબ પશ્ચિમ કાંઠાના જેનિન શરણાર્થી શિબિરમાં એક ઘર પર ડ્રોન હુમલો અને વિસ્ફોટના સમાચાર સામે આવ્યા છે. ઇઝરાયલે શહેરમાં ડઝનબંધ લોકોની ધરપકડ પણ કરી છે. જેનિનમાં ઘણી હોસ્પિટલોની બહાર ઈઝરાયેલની સેના ઊભી છે. ઘાયલ લોકોની પણ અટકાયત કરવામાં આવી છે. હમાસે મંગળવારે 12 લોકોને મુક્ત કર્યા હતા, જેમાં 10 ઈઝરાયેલ અને બે થાઈ નાગરિકો હતા. આ વખતે પણ હમાસે એકપણ અમેરિકનને છોડ્યો નથી. અમેરિકાએ કહ્યું હતું કે તે કેટલાક અમેરિકનોને મુક્ત કરશે. હમાસ દ્વારા બંધકોની મુક્તિ ઇઝરાયેલ સાથેના કરાર હેઠળ કરવામાં આવી છે.