- કેનેડીયન રાજદ્વારીઓ દિલ્હી છોડીને કુઆલાલંપુર, સિંગાપોર ગયા
- ભારતે કેનેડાને 10 ઓકટોબર સુધીનું આપ્યું હતું અલ્ટિમેટમ
- કેનેડાએ લગાવ્યો હતો નિજજરની હત્યામાં ભારતની સંડોવણીનો આરોપ
કેનેડાએ પોતાના મોટા ભાગના રાજદ્વારીઓને ભારતની બહાર મોકલી દીધા છે. શુક્રવારે સામે આવેલ એક રિપોર્ટ મુજબ કેનેડીયન રાજદ્વારીઓ દિલ્હી છોડીને કુઆલાલંપુર અથવા સિંગાપોર ચાલ્યા ગયા છે. ખલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજજરની હત્યાને લઈને બંને દેશો વચ્હે ચાલી રહેલ તણાવ વચ્ચે ગુરુવારે ભારતે કડક શબ્દોમાં કહ્યું હતું કે બંને દેશોમાં એક-બીજાના રાજદ્વારીઓની સંખ્યા સમાન હોવી જોઈએ. ભારતે કેનેડાને પોતાના 41 રાજદ્વારીઓને પરત બોલાવી લેવા માટે 10 ઓકટોબર સુધીનું અલ્ટિમેટમ આપ્યું હતું.
કેનેડાના મીડિયાએ કેનેડીયન રાજદ્વારીઓના ભારત છોડવાની જાણકારી આપી છે. સૂત્રોના હવાલેથી કહેવામાં આવી રહ્યું છે કે ભારત સરકારે કેનેડાને જણાવ્યું હતું કે તેઓ ભારતમાં પોતાના રાજદ્વારીઓની સંખ્યા ઓછી કરીને એટલી જ કરી દે જેટલી કેનેડામાં ભારતીય રાજદ્વારીઓની સંખ્યા છે.
અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે ભારતે કેનેડાને પોતાના 41 રાજદ્વારીઓને પરત બોલાવી લેવા માટે કહ્યું છે પરંતુ મીડિયાના સૂત્રો જણાવે છે બંને દેશો પોતપોતાનાં દેશોમાં રાજદ્વારીઓની સંખ્યા એક સમાન રાખવા માંગે છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ભારતમાં કામ કરતાં મોટાભાગના કેનેડીયન રાજદ્વારીઓને દિલ્હી છોડીને કુઆલાલંપુર અથવા સિંગાપોર લઈ જવામાં આવી રહ્યા છે.
કેનેડાના રાજદ્વારી અને કોન્સ્યુલર મમલાઓની દેખરેખ કરતાં વિભાગ ગ્લોબલ અફેર્સ કેનેડાએ આ પહેલા કહ્યું હતું કે ભારતમાં તેમના રાજદ્વારીઓને ધમકીઓ મળી રહી છે. વિભાગે પહેલા કહ્યું હતું કે કેટલાંક રાજદ્વારીઓને જુદા જુદા સોશિયલ મીડિયા માધ્યમો પર ધમકીઓ મળી રહી છે. અમે ભારતમાં પોતાના કર્મચારીઓની સુરક્ષાનું આકલન કરી રહ્યા છીએ. એટલે અમે ખૂબ જ સાવધાની રાખીને ભારતમાં કર્મચારીઓની હાજરી અસ્થાયી રૂપે ઓછી કરવાનો નિર્ણય કર્યો છે.
ભારતના કહેવાથી કેનેડાએ લીધા આ પગલાં
આ મીડિયા રિપોર્ટ્સ ત્યારે આવી હતી જ્યારે ભારતે આ સપ્તાહની શરૂઆતમાં જ કેનેડાને પોતાના મિશન માંથી અનેક રાજદ્વારીઓને પરત બોલાવી લેવા માટે કહ્યું હતું. ગુરુવારે જ એક વિકલી પ્રેસ કોન્ફરન્સમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચી એ કહ્યું હતું કે બહરત અને કેનેડામાં બંને દેશોના રાજદ્વારીઓની સંખ્યા સમાન હોવી જોઈએ. હવે આ કેનેડા નક્કી કરે કે તે પોતાના કયા રાજદ્વારીને ભારતમાં રાખવા માંગે છે અને કોને પરત બોલાવવા માંગે છે.
બાગચીએ કહ્યું હતું કે જેમ કે અમે પહેલા કહ્યું હતું, ભારતમાં કેનેડીયન રાજદ્વારીઓની સંખ્યા ખૂબ જ વધારે છે અને તે અમારા ઘરેલુ મુદ્દાઓમાં દખલ કરે છે. તેને ધ્યાનમાં રાખીને અમે આશા કરીએ છીએ કે કેનેડાના રાજદ્વારીઓ ભારતમાં પોતાની સંખ્યા ઓછી કરશે અને કેનેડા પરત ચાલ્યા જશે.
મહત્વનું છે કે કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ ભારત પર ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજજર હત્યાકાંડમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો. આ આરોપો બાદ બંને દેશો વચ્ચેના સંબંધોમાં ખાસ્સો તણાવ વધી ગયો હતો.