જગત જમાદાર એવા અમેરિકામાં આગામી પાંચમી નવેમ્બરે મતદાન યોજાવાનું છે. પરંતુ મતદારો અગાઉથી અર્લી વોટિંગથી ચૂંટણી પહેલા ચાર અઠવાડિયાથી જ વોટ નાખી શકે છે. રિપબ્લિકન પાર્ટીના નેતા અને ભારતીય મૂળના કારોબારી વિવેક રામાસ્વામીએ આ વોટિંગ પેટર્ન પર સવાલ ઉઠાવ્યા છે. અને આગામી સમયમાં આ નિયમોમાં ફેરફાર કરવાનો દાવો કર્યો છે.



રામાસ્વામીએ અર્લી વોટિંગનો વિરોધ કર્યો

બિઝનેસમેનમાંથી રાજકીય નેતા બનેલા વિવેક રામાસ્વામીએ એરિઝોનામાં ટ્રમ્પ માટે એક રેલીને સંબોધતા કહ્યું, 'તમારી સાથે પ્રમાણિકપણે કહેવું છે, મને વહેલું મતદાન ક્યારેય ગમ્યું નથી. હું એક દિવસના મતદાનમાં માનું છું, રાષ્ટ્રીય રજાના દિવસે લોકોએ પેપર બેલેટ દ્વારા મતદાન કરવું જોઈએ અને આ માટે સરકારે લોકોને મતદાર યાદી સાથે મેચ કરીને ઓળખ કાર્ડ આપવા જોઈએ. હું આમાં માનું છું અને ડોનાલ્ડ ટ્રમ્પ પણ આ સિસ્ટમમાં માને છે.

કોણ છે વિવેક રામાસ્વામી?

અમેરિકામાં રહેતા અને ભારતીય મૂળના વિવેક રામાસ્વામી અબજોપતિ કારોબારી છે. તેઓ ગત વર્ષે રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રપતિ પદની રેસમાં જોડાયા હતા, પરંતુ પછી ડોનાલ્ડ ટ્રમ્પની દાવેદારીના ટેકામાં તેઓએ પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. 37 વર્ષના વિવેક રામાસ્વામીના માતા અને પિતા ભારતીય હતા. તેઓ કેરળના પલક્કડના વતની હતા. તેઓ કેરળથી અમેરિકા જઈને ત્યાં સ્થાયી થયા હતા. રામાસ્વામીનો જન્મ અમેરિકાના ઓહાયો પ્રાંતમાં થયો હતો. તેઓએ હાર્વ્ડ કૉલેજ અને યેલ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે. 

ભારતીય-અમેરિકન ઉદ્યોગપતિ વિવેક રામાસ્વામીએ રાષ્ટ્રપતિની ચૂંટણીની તારીખ પહેલા વહેલા મતદાનની જોગવાઈનો વિરોધ કર્યો છે. રામસ્વામીએ ગુરુવારે ભારતીય ચૂંટણી પ્રક્રિયાની જેમ મતદાનની માંગ કરી હતી અને કહ્યું હતું કે અમેરિકામાં, સમગ્ર દેશમાં એક જ દિવસે મતદાન થવું જોઈએ અને મતદારો માટે ચૂંટણી પહેલા તેમનું ઓળખકાર્ડ બનાવવું ફરજિયાત હોવું જોઈએ.

અમેરિકામાં આગામી 5મી નવેમ્બરે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન યોજાવાનું છે, પરંતુ લોકો ચૂંટણીની મુખ્ય તારીખના લગભગ 4 અઠવાડિયા પહેલા પોતાનો મત આપી શકે છે. જેને વહેલું મતદાન કહેવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન, પ્રચાર અને મતદાન બંને પ્રક્રિયાઓ એકસાથે ચાલુ રહે છે. જ્યારે ભારતમાં મતદાનના લગભગ 36 કલાક પહેલા ચૂંટણી પ્રચાર બંધ થઈ જાય છે. જો કે, અમેરિકાની સરખામણીમાં ભારતમાં વધુ વસ્તી હોવાને કારણે, મતદાન વિવિધ તબક્કામાં કરવામાં આવે છે.

અગાઉ વિરોધ, બાદમાં વહેલા મતદાનની અપીલ

ભારતીય મૂળના અબજોપતિ કારોબારી વિવેક રામાસ્વામીએ રેલીમાં જોડાયેલા લોકોને સંબોધન કરતા કહ્યું કે, તમારે નિયમો પ્રમાણે રમવું પડશે. અને અમે આ નિયમોને બદલવા જઈ રહ્યા છીએ. જે પહેલાથી સરકારે કરી દેવું જોઈએ હતું. તેઓએ કહ્યું કે, એક રિપબ્લિકન તરીકે ભલે વહેલા મતદાનને પસંદ નથી કરતા પરંતુ પછી હું તમને કહું છું કે તમે પોતાના ઘરમાંથી નીકળો અને મતદાન જરૂર કરો. કારણ કે, આપણી સામે એક એવી ચૂંટણી છે જે જીતવાની છે અને પોતાના દેશને બચાવવાનો છે.



  • Follow us on: