- ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે પાકિસ્તાને ઝંપલાવ્યું
- પાકિસ્તાને ઈસ્લામિક દેશોની માંગી મદદ
- હમાસના નેતા પાક.નેતાઓની પાર્ટીની રેલીમાં લાઈવ જોડાયાનો દાવો
ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં હવે પાકિસ્તાનના નેતાઓ પણ ઝંપલાવવા તૈયાર છે. પાકિસ્તાનની સૌથી મોટી ધાર્મિક-રાજકીય પાર્ટી અને સુન્ની કટ્ટરપંથી JUI-Fના વડા મૌલાના ફઝલુર રહેમાને દાવો કર્યો છે કે, હમાસના નેતા ખાલિદ મશાલ તેમની પાર્ટીની રેલીમાં લાઈવ જોડાયા હતા.
મળતી માહિતી મુજબ મૌલાના ફઝલુર રહેમાને જણાવ્યું હતું કે, જો ઈસ્લામિક દેશ પાકિસ્તાનનું માર્ગદર્શન કરે તો અમે લડાઈમાં સામેલ થવા તૈયાર છીએ. આ સાથે હમાસે નાણાકીય સહાય માટે કહ્યું છે. હમાસ અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ગાઝામાં મૃતકોની સંખ્યા વધીને 2,215 થઈ ગઈ છે, જેમાં 724 બાળકોનો સમાવેશ થાય છે. હમાસના હુમલામાં 1,300 થી વધુ ઈઝરાયેલીઓ માર્યા ગયા છે.
જમીયત ઉલેમા-એ-ઇસ્લામ (JUIF)ના સ્થાપક મુફ્તી મહમૂદની યાદમાં ખૈબર પખ્તુનખ્વાના પેશાવરમાં એક રેલી યોજી હતી પરંતુ તે પેલેસ્ટાઈનના સમર્થનના પ્રદર્શનમાં ફેરવાઈ ગઈ હતી. રેલીને સંબોધતા મૌલાના ફઝલુર રહેમાને કહ્યું હતું કે, યુદ્ધ વચ્ચે પેલેસ્ટાઈનીઓ સાથે સમર્થનમાં ઉભા છીએ. દરેક પરિસ્થિતિમાં પેલેસ્ટાઈનના ભાઈ-બહેનોની સાથે છે અને તેમણે માનવાધિકાર સંગઠનોને ગાઝામાં ઈઝરાયેલના હુમલા પર ધ્યાન આપવા પણ રજૂઆત પણ કરી હતી.
આમ, તો મૌલાના ફઝલુર રહેમાનના પિતા ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના CM રહી ચૂક્યા છે. તેમનો પરિવાર ત્યાંના રાજકારણમાં વર્ચસ્વ ધરાવે છે. મૌલાના પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં વિરોધ પક્ષના નેતા પણ રહી ચૂક્યા છે. તેઓ વિદેશ નીતિ પર સ્થાયી સમિતિના પ્રમુખ પણ રહ્યા છે. આ સાથે તેને તાલિબાન સમર્થક માનવામાં આવે છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી તે ઉદારવાદી હોવાનો દાવો કરે છે. આ સિવાય 2018ની ચૂંટણી બાદ તેઓ ઈમરાનને સત્તામાં આવતા રોકવાના પ્રયાસોમાં તેની મહત્વની ભૂમિકા ગણવામાં આવે છે.