પશ્ચિમ એશિયામાં તણાવ વચ્ચે અમેરિકા અને બ્રિટને યમન પર હવાઈ હુમલા શરૂ કર્યા છે. અમેરિકા અને બ્રિટને યમનની રાજધાની સના અને હોદેઈદાહ એરપોર્ટ સહિત યમનના ઘણા ભાગો પર હુમલો કર્યો. મીડિયા અહેવાલ જણાવ્યા મુજબ હૂતી વિદ્રોહીઓએ દાવો કર્યો હતો કે હુમલાઓમાં ધમાર શહેરની દક્ષિણે વિસ્તારને પણ નિશાન બનાવવામાં આવ્યું છે.
યમનની રાજધાની સના પર હવાઈ હુમલા
અમેરિકા અને બ્રિટને યમનમાં હુમલા શરૂ કર્યા. મીડિયા અહેવાલ મુજબ સનામાં ચાર હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા. હોદેઈદાહ એરપોર્ટ અને હોદેઈદાહના ઉત્તર-પશ્ચિમ વિસ્તાર પર સાત હવાઈ હુમલાઓ થયા છે. જ્યારે ધમાર શહેરની દક્ષિણે હવાઈ હુમલો થયો હતો. હુમલા બાદ સમગ્ર વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા ઉછળતા જોવા મળ્યા હતા. ઈરાન સમર્થિત હૂતી વિદ્રોહીઓ ઈઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે ફિલિસ્તીનિઓ સાથે એકતા બતાવતા ગયા નવેમ્બરથી યમનથી આંતરરાષ્ટ્રીય જહાજો પર હુમલો કરી રહ્યા છે.
હૂતી વિદ્રોહીઓએ બ્રિટિશ ઓઈલ ટેન્કર પર હુમલો કર્યો
યમનના હૂતી વિદ્રોહીઓએ વિસ્ફોટકોથી ભરેલી બોટ વડે લાલ સમુદ્રમાં બ્રિટિશ ઓઈલ ટેન્કર પર હુમલો કર્યો હતો. હૂતી વિદ્રોહીઓએ તેનો વીડિયો પણ જાહેર કર્યો હતો. જેમાં કોર્ડેલિયા મૂન પાસે બ્લાસ્ટ થતા જોવા મળ્યો હતો. આ બ્લાસ્ટના કારણે બંદરની ટાંકીને નુકસાન થયું હતું અને સમગ્ર વિસ્તાર ધુમાડામાં લપેટાઈ ગયો હતો. આ હુમલો હોદેહદાહ બંદરથી 110 કિમી (70 માઇલ) દૂર કરવામાં આવ્યો હતો.
હૂતી વિદ્રોહીઓએ પનામાના ધ્વજવાળા તેલ ટેન્કરને નિશાન બનાવ્યું હતું
મંગળવારે હૂતી વિદ્રોહીઓએ પનામાના ધ્વજવાળા તેલ ટેન્કરને નિશાન બનાવ્યું હતું. અન્ય જહાજના કેપ્ટને આ ઘટનાની જાણકારી આપી. યુએસ નૌકાદળની દેખરેખ રાખનાર કેન્દ્રએ કહ્યું કે, જહાજને નિશાન બનાવીને મિસાઈલ છોડવામાં આવી હતી, જે ચૂકી ગઈ હતી. યમનના ઈરાન સાથે જોડાયેલા હૂતી વિદ્રોહીઓએ હુમલાની જવાબદારી લીધી હતી.
ઈઝરાયેલ પર બેલેસ્ટિક મિસાઈલોથી હુમલો
આ પહેલા ઈરાન સમર્થિત હૂતી વિદ્રોહીઓએ ઈઝરાયેલ પર બેલેસ્ટિક મિસાઈલોથી હુમલો કર્યો હતો. ખાસ વાત એ હતી કે ઈઝરાયલની આયર્ન ડોમ અને અન્ય એર ડિફેન્સ સિસ્ટમ આ બેલેસ્ટિક મિસાઈલ સામે બિનઅસરકારક સાબિત થઈ છે. આ હુમલામાં કોઈ જાનહાની થઈ નથી અને મિસાઈલ ખુલ્લા મેદાનમાં પડી હતી.