વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપને 240 બેઠકો મળતા બહુમતી માટે એનડીએના સહયોગી પક્ષો પર નિર્ભર રહેવું પડ્યું હતું. ચૂંટણી સમયે એનડીએ પાસે 293 બેઠકોનું સંખ્યાબળ હતું, જેમાં આંધ્રપ્રદેશની ટીડીપી (16 સીટો) અને જેડીયુ (12 સીટો) મુખ્ય પક્ષો હતા. જોકે, તાજેતરના રાજકીય ઘટનાક્રમોને કારણે સંસદના સમીકરણો સંપૂર્ણપણે બદલાઈ ગયા છે, અને લોકસભામાં એનડીએનું સંખ્યાબળ વધીને હવે 319 પર પહોંચી ગયું છે.


તૃણમૂલ કોંગ્રેસ અને શિવસેનામાં મોટા ભંગાણથી સમીકરણો બદલાયા

પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસના 20 બળવાખોર સાંસદોએ એક અજાણ્યા પક્ષ 'નેશનલ સિટિઝન્સ પાર્ટી ઓફ ઇન્ડિયા'માં જોડાઈને એનડીએને સમર્થન જાહેર કરી દીધું છે, જે હવે લોકસભામાં એનડીએનો સૌથી મોટો સહયોગી જૂથ બની ગયો છે. આ ઉપરાંત, મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના 6 સાંસદો પક્ષ બદલીને એકનાથ શિંદે જૂથમાં સામેલ થઈ ગયા છે, જેથી શિંદેની શિવસેના પાસે હવે 13 સાંસદો થયા છે. આમ, વિપક્ષમાં પડેલા ગાબડાંથી સરકાર મજબૂત સ્થિતિમાં આવી ગઈ છે.

લોકસભામાં બે તૃતીયાંશ બહુમતીનું ગણિત

લોકસભાની કુલ 543 બેઠકોમાંથી હાલ 3 બેઠકો ખાલી હોવાથી વર્તમાન સાંસદોની સંખ્યા 540 છે, જ્યાં બે તૃતીયાંશ બહુમતી માટે 360 કે 362 મતોની જરૂર પડે છે. એનડીએ હાલ 319 પર છે, અને આગામી 3 પેટાચૂંટણીઓ જીત્યા બાદ આ આંકડો 323 સુધી પહોંચી શકે છે. જોકે, તે હજુ પણ જાદુઈ આંકડાથી 20 સીટ દૂર રહેશે. પરંતુ, ઈન્ડિયા ગઠબંધનથી અલગ થયેલી ડીએમકે (DMK)ના 22 સાંસદો જો મતદાનથી દૂર રહે, તો સરકાર માટે બંધારણીય સુધારા પસાર કરાવવા ખૂબ સરળ બની જશે.

રાજ્યસભામાં પણ એનડીએ ઐતિહાસિક સ્તરની નજીક

માત્ર લોકસભા જ નહીં, પરંતુ રાજ્યસભામાં પણ એનડીએ બે તૃતીયાંશ બહુમતીના આંકડા 164ની એકદમ નજીક પહોંચી ગયું છે. 245 સભ્યોના ઉચ્ચ સદનમાં બીજુ જનતા દળ છોડીને ભાજપમાં આવેલા સાંસદના કારણે ભાજપની સંખ્યા 115 થઈ છે, જ્યારે કુલ એનડીએનું સંખ્યાબળ 149 પર પહોંચ્યું છે. આગામી 28 જૂને પૂર્ણ થનારી 27 બેઠકોની રાજ્યસભા ચૂંટણી અને ટીએમસી સાંસદોના રાજીનામાથી ખાલી પડેલી બેઠકો બાદ એનડીએ આ ગૃહમાં પણ પ્રચંડ બહુમતી મેળવી લેશે.

પરિસીમન બિલ પર કેમ મંડરાઈ રહ્યું છે રાજકીય ઘમસાણ?

મોદી સરકાર માટે આ બહુમતી એટલા માટે મહત્વની છે. કારણ કે, સરકાર દેશમાં 'પરિસીમન બિલ' લાવવા માંગે છે. બે મહિના પહેલા મહિલા અનામત સાથે જોડાયેલો આ પ્રસ્તાવ બે તૃતીયાંશ બહુમતીના અભાવે પસાર થઈ શક્યો ન હતો. પરિસીમન લાગુ થવાથી વધુ વસ્તી ધરાવતા ઉત્તર ભારતના રાજ્યોની લોકસભા સીટો ખૂબ વધી જશે, જ્યાં ભાજપ મજબૂત છે.

જ્યારે વસ્તી નિયંત્રણ કરનારા દક્ષિણ અને પશ્ચિમ ભારતના રાજ્યોનું રાજકીય પ્રતિનિધિત્વ ઘટી શકે છે, જેને કારણે વિપક્ષ તેનો સખત વિરોધ કરી રહ્યો છે. કોંગ્રેસનો આરોપ છે કે, ભાજપનો અંતિમ હેતુ બંધારણમાં સુધારો કરીને અનામત વ્યવસ્થા નાબૂદ કરવાનો છે.


આ પણ વાંચો - Emergency: ધોરણ 9માં ભણાવાશે 1975ની ઇમરજન્સી વિશે, NCERTએ અભ્યાસક્રમમાં કર્યો સમાવેશ


  • Follow us on: