- વિશ્વનું સૌથી મોટું અને પ્રાચીન શિવલિંગ મધ્ય પ્રદેશમાં છે
- મધ્ય પ્રદેશના ભોપાલમાં આવેલું ભોજેશ્વર મહાદેવ મંદિર
- બેતવા નદી પાસે આવેલા એક ઊંચા પહાડ પર આવેલું છે
ભારતમાં મહાદેવનાં અઢળક મંદિરો જોવા મળે છે પરંતુ આ મંદિરોમાં કેટલાંક એવાં પણ મંદિરો છે જેમના મંદિર નિર્માણે સૌને આશ્ચર્યમાં ગરકાવ કરી દીધા છે. આવું જ એક મંદિર મધ્ય પ્રદેશના ભોપાલમાં જોવા મળે છે. આ મંદિરને શ્રદ્ધાળુઓ ભોજેશ્વર મહાદેવ તરીકે ઓળખે છે. આ મંદિર ભોપાલ શહેરથી અંદાજિત 30 કિમી. દૂર આવેલી બેતવા નદી પાસે આવેલા એક ઊંચા પહાડ પર આવેલું છે. આ મંદિર તેની અપૂર્ણતા માટે પણ જગવિખ્યાત છે!
અપૂર્ણતા માટે પણ જગવિખ્યાત છે
ભોજેશ્વર મંદિરનું નિર્માણ અધૂરું જોવા મળે છે. જે માટેનું કોઇ કારણ હજી સુધી જાણવા નથી મળ્યું. જોકે, આ મંદિર તેના અધૂરા નિર્માણ કરતાં તેમાં રહેલા શિવલિંગના કારણે વધુ જાણીતું છે, કારણ કે આ મંદિરનું શિવલિંગ દુનિયાના સૌથી મોટા અને પ્રાચીન શિવલિંગ તરીકે ઓળખાય છે. આ મોટા પ્રાચીન શિવલિંગના દર્શનાર્થે વિશ્વભરમાંથી લોકો આવે છે. અહીં બારેમાસ ભક્તોની ભીડ જોવા મળે છે. ખાસ કરીને શ્રાવણ માસમાં આ મંદિરનું અનેરું આધ્યાત્મિક માહાત્મ્ય હોય છે.
ભોજેશ્વર મહાદેવ મંદિરનું નિર્માણ કોણે કર્યું હતું?
આ ભોજેશ્વર મહાદેવ મંદિરનું નિર્માણ મધ્ય ભારતના પરમાર વંશીય રાજા ભોજદેવે ઈ.સ.1010માં કરાવ્યું હતું. હજારો વર્ષ જૂના આ ભવ્ય મંદિરને જોઈને તેનો વિશાળ ઇતિહાસ જાણી શકાય છે. જ્યારે રાજા ભોજદેવ તેમના સમયના હિંમતવાન શાસક હતા. તેઓ સાથેસાથે કલા-સ્થાપત્યના જાણકાર-વિશેષજ્ઞ અને મહાન લેખક પણ હતા. તેઓ કલા-સ્થાપત્યમાં વિશેષ રસ ધરાવતા હતા. તેમણે આ મંદિરનું વિશેષ કાળજીપૂર્વક નિર્માણ થાય તે માટે સમય ફાળવ્યો હતો.

ભોજેશ્વર મહાદેવ મંદિરનો પૌરાણિક કથાઓમાં ઉલ્લેખ
ભોજેશ્વર મહાદેવ મંદિરને લઇને અનેક પૌરાણિક કથાઓમાં પણ ઉલ્લેખ જોવા મળે છે. કેટલીક પૌરાણિક કથાઓમાં આ મંદિરનું નિર્માણ પાંડવો દ્વારા કરવામાં આવ્યું હતું તેમ દર્શાવવામાં આવ્યું છે. પાંડવોએ આ ભોજેશ્વર મહાદેવનું નિર્માણ માત્ર એક રાતમાં કર્યું હોવાનો પણ પૌરાણિક કથામાં ઉલ્લેખ છે. જ્યારે અન્ય પૌરાણિક કથાઓમાં એમ પણ દર્શાવવામાં આવ્યું છે કે પાંડવો પોતાના વનવાસ દરમિયાન માતા કુંતી સાથે અહીંની આસપાસનાં જંગલોમાં જ રહેતા હતા. આ દરમિયાન ભીમે આ મંદિરનું કલાત્મક રીતે નિર્માણ કર્યું હતું. આ મંદિરનું નિર્માણ એટલા માટે કરવામાં આવ્યું હતું કે, માતા કુંતી પાસે આવેલી બેતવા નદીમાં સ્નાન કરીને શિવલિંગનાં દર્શન કરી શકે.
ભોજેશ્વર મહાદેવ મંદિર અધૂરું કેમ હશે?
આજે પણ આ મંદિર સંપૂર્ણ રીતે બંધાયેલું નથી અને તે કયા કારણસર અપૂર્ણ છે તે પણ એક મોટું રહસ્ય છે. જોકે, પૌરાણિક કથાઓ અનુસાર માતા કુંતીએ ભગવાન શિવની પૂજા કરવા માટે પાંડવોને આ મંદિરનું નિર્માણ માત્ર એક રાત્રિમાં જ કરવા માટે કહ્યું હતું. જે માટે દૃઢ સંકલ્પ પણ લેવામાં આવ્યો હતો, પરંતુ આ મંદિર એક રાત્રીમાં સંપૂર્ણપણે ન બની શક્યું તેથી આ મંદિર અધૂરું છે!
દુનિયાના સૌથી મોટા શિવલિંગમાં ભોજેશ્વર
ભોજેશ્વર મંદિરના ગર્ભગૃહમાં આવેલું શિવલિંગ અંદાજિત 22 ફૂટ ઊંચાઈ ધરાવે છે, જે દુનિયાના સૌથી મોટા અને પ્રાચીન શિવલિંગ પૈકીનું એક છે. આ શિવલિંગનો વ્યાસ 7.5 ફૂટ છે. આ શિવલિંગનું વિશેષ મહત્ત્વ એટલા માટે પણ છે કે, આ શિવલિંગ બનાવવા માટે ખાસ પ્રકારના પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પથ્થરને રેતીનો પથ્થર (સેન્ડ સ્ટોન) કહેવામાં આવે છે.
ભોજેશ્વર મહાદેવ મંદિરની સંરચના
ભોજેશ્વર મહાદેવનું મંદિર 106 ફૂટ લાંબું અને 77 ફૂટ જેટલું પહોળું છે. જેનું નિર્માણ 17 ફૂટ ઊંચા એક ચબૂતરા પર કરવામાં આવ્યું છે. મંદિરના ગર્ભગૃહની અપૂર્ણ છત 40 ફૂટ ઊંચા ચાર સ્તંભ પર ટકેલી છે. આ મંદિરનું દ્વાર પશ્ચિમ દિશાની તરફ જોવા મળે છે. આ સિવાય ગંગા અને યમુનાની પ્રતિમાઓ ગર્ભગૃહના વિશાળ દ્વારને વધુ આધ્યાત્મિક બનાવે છે. મંદિરના ચાર સ્તંભોમાં શિવ-પાર્વતી, સીતા-રામ, લક્ષ્મી-નારાયણ અને બ્રહ્મા-સાવિત્રીની પ્રતિમાઓ કંડારવામાં આવી છે. શ્રદ્ધાળુઓ શિવલિંગની સાથે આ પ્રતિમાઓને પૂજીને ધન્યતા અનુભવે છે.