• 28 જૂન ચાલુ લગ્નસરાની સિઝનનું છેલ્લું મુહૂર્ત
  • 27 નવેમ્બરથી ફરી શહેનાઇ ગૂંજશે
  • માન્યતા પ્રમાણે ભગવાન વિષ્ણુ દેવઊઠી એકાદશી સુધી શયન મુદ્રામાં રહેશે

અષાઢી બીજ નિમિત્તે ભગવાન જગન્નાથની રથયાત્રા સાથે હવે ધાર્મિક તહેવારો, પર્વોની મોસમ શરૂ થઇ છે. જેમાં હવે હિન્દુ સમુદાયમાં ભારે મહાત્મ્ય ધરાવતી દેવપોઢી એકાદશીની આગામી ગુરુવારે અષાઢ સુદ એકાદશીએ ઉજવણી થશે. મંદિરોમાં પૂજા-અર્ચના અને મહાઆરતી સહિતના આયોજનોની ભરમાર જોવા મળશે. તે સાથે જ હિન્દુ ચાતુર્માસનો પણ પ્રારંભ થશે. જોકે, આ વર્ષે અધિક શ્રાાવણ માસનો ઉમેરો થતાં ચાર મહિનાની જગ્યાએ પાંચ મહિનાના ચાતુર્માસ રહેશે. મંદિરમાં માન્યતા અને પરંપરાને આધીન ભગવાન વિષ્ણુ દેવઊઠી એકાદશી સુધી શયન મુદ્રામાં રહેતા હોય લગ્નની શહેનાઇ ગુંજશે નહીં.

ભગવાન યોગનિદ્રામાં

શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ, ભગવાન વિષ્ણુએ શંખચૂડ નામના અસુરનો વધ કર્યા બાદ લાંબા સમય સુધી યોગનિદ્રામાં જતા રહ્યા હોય આ સમયગાળાને હિન્દુ ચાતુર્માસ કહેવાય છે. બીજી કથા અનુસાર ચાર મહિના સુધી ભગવાન વિષ્ણુ બલીરાજા સાથે પાતાળ લોકમાં જતા રહ્યા હતા. ત્યારબાદ લક્ષ્મીજીએ બલીરાજાને ભાઇ બનાવી તેમની સાથે પાતાળ લોકમાં ગયેલા ભગવાન વિષ્ણુને માંગી લીધા હતા.

ભગવાન વિષ્ણુ દેવઊઠી એકાદશી સુધી શયન મુદ્રામાં 

જ્યોતિષના જણાવ્યા મુજબ, 29 જૂનના રોજ દેવશયની એકાદશીથી હિન્દુ ચાતુર્માસ શરૂ થશે અને પછી કારતક સુદ એકાદશી સુધી ચાતુર્માસ રહેશે. તે દિવસે તુલસી વિવાહના આરંભ સાથે જ લગ્ન સહિતના શુભકાર્યોનો આરંભ થશે. વિવિધ કથાને આધીન અષાઢ સુદ અગિયારસને દેવશયની એટલે કે હરશયની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે.

ચાર માસનું વિશ્વનું નિયંત્રણ શિવજી પાસે

ઘણા લોકો તેને નીમી એકાદશી પણ કહે છે, કારણ કે, આ દિવસથી ચાતુર્માસમાં શું ખાવાનું અને શું નહીં ખાવાનું તેના નિયમો લેવાઇ છે. આ ચાર માસ ભગવાન વિષ્ણુ યોગનિદ્રામાં ચાલ્યા જાય છે. આ ચાર માસનું વિશ્વનું નિયંત્રણ શિવજીને સોંપી દેતા હોવાની પણ માન્યતા છે. તેને કારણે જ શ્રાવણમાં શિવજી, ભાદરવામાં ગણેશજી, આસોમાં માતાજીની આરાધના-પૂજાનું મહાત્મ્ય છે. આ સમયમાં લગ્ન, જનોઇ, વાસ્તુ જેવા માંગલિક કાર્યો થતા નથી.

ચાતુર્માસના આરંભ સાથે જ હિન્દુ પર્વોની હારમાળા સર્જાશે

હિન્દુ ચાતુર્માસને વિવિધ પર્વોની મોસમ માનવામાં આવે છે. જે મુજબ, હવે દેવપોઢી એકાદશી બાદ જુલાઇમાં જયાપાર્વતી વ્રત, ગુરુપૂર્ણિમા, દિવાસો, અધિક માસ પ્રારંભ, ઓગસ્ટમાં કમલા એકાદશી, ફૂલડા ત્રીજ, રક્ષાબંધન, સપ્ટેમ્બરમાં શિતળા સાતમ, બોળ ચોથ, જન્માષ્ટમી, કેવડા ત્રીજ, ગણેશ ચતુર્થી, ઋષિ પાંચમ, અનંત ચતુર્દશી વ્રત, શ્રાદ્ધ પક્ષ, ઓક્ટોબરમાં શારદીય નવરાત્રી, વિજયાદશમી, શરદ પૂર્ણિમા, નવેમ્બરમાં ધનતેરસ, કાળી ચૌદશ, દિવાળી, નૂતન વર્ષ, ભાઇબીજ સહિતના પર્વોની વણઝાર જોવા મળશે. આમ, જુલાઇથી નવેમ્બર સુધીમાં વિવિધ પર્વોની ઉજવણી થશે.

ચાર મહિના વિવિધ ખોરાકને લઇને પણ અનેક માન્યતા

હિન્દુ ચાતુર્માસમાં અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો એમ ચાર મહિનાનો સમાવેશ થાય છે. ચાતુર્માસ દરમિયાન શ્રાવણમાં શાક અને લીલી ભાજી, ભાદરવામાં દહીં, આસોમાં દૂધ અને કારતકમાં દાળ આરોગવી વર્જિત માનવામાં આવે છે. ચાતુર્માસ વેળાએ દેવભક્તિનું પણ અનેરું મહત્ત્વ છે. હિન્દુઓમાં લગ્ન જેવા કાર્યો કરાતા નથી. આ સમયમાં દેવપ્રતિષ્ઠા દિવસ ઉજવાય છે. પણ નવી મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા કરાતી નથી. આ સમયમાં દાનધર્મ કરવું ફળદાવી નીવડે છે. આમ, હિન્દુ ચાર્તુમાસ પ્રમાણે જ ખોરાકને લઇને પણ અનેક માન્યતાઓ જોવા મળે છે.


  • Follow us on: