શિવજીને પ્રિય શ્રાવણ ચાલી રહ્યો છે. આજે આપણે દ્વાદશ જ્યોતિર્લિંગના સુપ્રસિદ્ધ એવા ભીમાશંકર જ્યોતિર્લિંગનો મહિમા જાણીએ. આ પ્રખ્યાત જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં સ્થિત છે. ભગવાન શિવજીને સમર્પિત આ પ્રમુખ તીર્થ સ્થળ છે. 12 જ્યોતિર્લિંગોમાંથી એક આ શિવલિંગને મોટેશ્વર મહાદેવ તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ જ્યોતિર્લિંગ છઠ્ઠુ જ્યોતિર્લિંગ છે
સમગ્ર ભારતમાં પ્રખ્યાત 12 જ્યોતિર્લિંગમાંથી કોઇ એક માત્ર જ્યોતિર્લિંગના દર્શન કરવાથી જીવન મૃત્યુના ફેરા ટળે છે. આ જ્યોતિર્લિંગ છઠ્ઠુ જ્યોતિર્લિંગ છે જે ભીમાશંકર મહારાષ્ટ્રના પુણાથી 110 કિલોમીટર દૂર શિરાધન ગામમાં સ્થિત છે. ભીમાશંકર જ્યોતિર્લિંગ સાથે એક પૌરાણિક અને ખુબજ રોચક કથા જોડાયેલી છે. આ કથાનું વર્ણન શિવ પુરાણમાં મળે છે.
ભીમાશંકર જ્યોતિર્લિંગની પૌરાણિક કથા
રાવણના ભાઇ કુંભકર્ણ તેની પત્ની કર્કટીને એક પુત્ર હતો ભીમા જે કુંભકર્ણના મૃત્યુ પછી તરત જ જન્મ્યો હતો. ભીમાને જાણ થઇ ગઇ હતી કે રામે તેના પિતાનો નાશ કર્યો છે, પિતાના મૃત્યુમો બદલો લેવા ભીમાએ કઠોર તપસ્યા કરી વરદાન સ્વરૂપે ભગવાન બ્રહ્ના પાસેથી અપાર શક્તિઓ પ્રાપ્ત કરી, બ્રહ્માએ વરદાન આપ્યુ કે તે અજેય થઇ જશે. જેવી શક્તિ મળી તે દેવતાઓ સામે પડ્યો,
ભીમાને તેની શક્તિ પર અહંકાર થયો
ભીમાને તેની શક્તિ પર અહંકાર થયો અને તેણે પૃથ્વી પર અત્યાચાર શરૂ કર્યો. કેટલાયે ઋષિમુનીઓને સાધુ-સંતોને પરેશાન કરી અપાર યાતનાઓ આપવા લાગ્યો. તેના ભયથી દેવતાઓ થરથર કાપવા લાગ્યા. દેવતાઓએ શિવજીનું શરણુ લીધુ અને પ્રાર્થના કરી કે આ સંકટમાંથી હવે ઉગારો.
ભીમાએ એક સમયે એક સ્થાન પર ખુબજ ઉપદ્રવ મચાવ્યો. જ્યાં ભક્ત શિવની ઉપાસના કરી રહ્યા હતા. ભીમાએ શિવજીની પૂજા ન કરવાની વાત જણાવી અને પોતાની જ પૂજા કરવા ભાર મુક્યો. ભક્તોએ તેની વાત નકારી દીધી. અને સ્પષ્ટ નનૈયો ભણ્યો . આથી ભગવાન શિવ ભક્તોની તકલીફો સહન ન કરી શક્યા અને ભીમા સાથે યુદ્ધ કર્યુ. આ યુદ્ધ ઘણુ લાંબુ ચાલ્યુ, શિવજીએ ભીમાનો વધ કર્યો. આ ઘટના પછી શિવજી જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થયા. આથી આ સ્થાન ભીમાશંકર જ્યોતિર્લિંગ કહેવાયુ.