ભગવાન શિવજીનો પ્રિય શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. આજે આપણે બાર જ્યોતિર્લિંગનો મહિમા જાણીશુ. શિવજીના મંદિરો સમગ્ર ભારતના અલગ અલગ સ્થળો પર છે તેમાં 12 જ્યોતિર્લિંગનું વિશેષ મહત્ત્વ છે.


સોમનાથ જ્યોતિર્લિંગ (પ્રભાસ પાટણ ગુજરાત)

ગુજરાતના સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં સ્થિત સોમનાથ જ્યોતિર્લિંગને પૃથ્વી પરનું પ્રથમ જ્યોતિર્લિંગ માનવામાં આવે છે. અહીં દેવતાઓ દ્વારા બનાવવામાં આવેલું એક પવિત્ર તળાવ પણ છે, જેને સોમકુંડ અથવા પાપનાશક-તીર્થ કહેવામાં આવે છે.

શ્રી મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ (શ્રી શૈલમ આંધ્રપ્રદેશ)

મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ આંધ્રપ્રદેશમાં કૃષ્ણા નદીના કિનારે શ્રી શૈલમ નામના પર્વત પર સ્થિત છે. આ જ્યોતિર્લિંગ 18 શક્તિપીઠમાંનુ એક છે. જે શિવ અને પાર્વતીજીના પ્રેમનું અતૂટ બંધનનું પ્રત્તિક છે.

શ્રી મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ (ઉજ્જૈન મધ્યપ્રદેશ)

મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં સ્થિત છે. આ એકમાત્ર દક્ષિણમુખી જ્યોતિર્લિંગ છે. આ મંદિરમાં ભગવાન શિવ મહાકાલના સ્વરૂપમાં બિરાજમાન છે. અહીં કરવામાં આવતી દૈનિક ભસ્મઆરતી સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે.

શ્રી ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ (મંધાત ટાપુ મધ્યપ્રદેશ)

શિવનું આ પવિત્ર નિવાસસ્થાન મધ્યપ્રદેશના માલવા ક્ષેત્રમાં સ્થિત છે. ઇન્દોર શહેરની નજીક જ્યાં આ જ્યોતિર્લિંગ આવેલું છે, ત્યાં નર્મદા નદી વહે છે અને ટેકરીની આસપાસ વહેતી નદીને કારણે અહીં ઓમનો આકાર બને છે. મધ્યપ્રદેશના નર્મદા નદીના કાંઠે ઓમ જેવા આકાર ધરાવતા ખૂબ જ સુંદર ટાપુના કિનારે બિરાજમાન છે.

કેદારનાથ જ્યોતિર્લિંગ (ગઢવાલ હિમાલય ઉત્તરાખંડ)

કેદારનાથમાં સ્થિત જ્યોતિર્લિંગ ઉત્તરાખંડમાં હિમાલયના કેદાર નામના શિખર પર સ્થિત છે. બાબા કેદારનાથનું મંદિર બદ્રીનાથ જવાના માર્ગ પર આવેલું છે. કેદારનાથ સમુદ્ર સપાટીથી 3584 મીટરની ઊંચાઈ પર આવેલું છે. આ પવિત્ર જગ્યા પર ભગવાન શિવની કેદારનાથ સ્વરૂપમાં વિશેષ પૂજા કરવામાં આવે છે.

ભીમાશંકર જ્યોતિર્લિંગ (પુણે મહારાષ્ટ્ર)

ભીમાશંકર જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં સહ્યાદ્રી નામના પર્વત પર સ્થિત છે. બાર જ્યોતિર્લિંગમાંથી આ જ્યોતિર્લિંગ સૌથી વિશાળ છે. તેથી તેને મોટેશ્વર મહાદેવ પણ કહેવામાં આવે છે

બાબા વિશ્વનાથ જ્યોતિર્લિંગ (વારાણસી ઉત્તર પ્રદેશ)

બાબા વિશ્વનાથનું આ જ્યોતિર્લિંગ ઉત્તર પ્રદેશની ધાર્મિક રાજધાની ગણાતા વારાણસી શહેરમાં સ્થિત છે. પવિત્ર કાશીમાં ગંગા નદીના કિનારે આવેલ કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ મોક્ષ પ્રાપ્તિની પવિત્ર જગ્યા છે

ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ (નાસિક મહારાષ્ટ્ર)

ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં આવેલું છે. નાસિકથી 28 KM દૂર આ જ્યોતિર્લિંગ આવેલ છે. ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ પાસે બ્રહ્મગિરિ નામનો પર્વત છે. આ પર્વત પરથી ગોદાવરી નદી શરૂ થાય છે. આ મંદિરના પરિસરમાં કુશવ્રત કુંડમાં ગોદાવરી નદીનું ઉદગમ સ્થાન છે

વૈદ્યનાથ જ્યોતિર્લિંગ ( દેવઘર ઝારખંડ)

વૈદ્યનાથ જ્યોતિર્લિંગ ઝારખંડ પ્રાંતના સંથાલ પરગણામાં જસીડીહ રેલ્વે સ્ટેશન પાસે આવેલું છે. ધાર્મિક પુરાણોમાં શિવના આ પવિત્ર ધામને ચિતાભૂમિ કહેવામાં આવ્યું છે. આ જ્યોતિર્લિંગ ભગવાન શિવ દરેક ભક્તોને રોગમાંથી મુક્તિ આપે છે. રાવણે ભગવાન શિવને પ્રસન્ન કરવા નવ માથા અર્પણ કર્યા હતા. જે શિવભક્તિ અને સમર્પણનો ભાવ રજૂ કરે છે

નાગેશ્વર જ્યોતિર્લિંગ (દેવભૂમિ દ્વારકા ગુજરાત)

નાગેશ્વર જ્યોતિર્લિંગ ગુજરાતના બરોડા પ્રદેશમાં ગોમતી દ્વારકા પાસે આવેલું છે. ધાર્મિક પુરાણોમાં, ભગવાન શિવને સાપના દેવતા અને નાગેશ્વરનો અર્થ સાપના દેવ તરીકે વર્ણવવામાં આવ્યો છે. દ્વારકા પુરીથી નાગેશ્વર જ્યોતિર્લિંગનું અંતર 17 માઈલ છે. દારૂક નામનો એક દૈત્ય દ્વારકા નજીક એક વનમાં વાસ કરતો હતો તેના નામ પરથી દારૂકાવન નામ પડ્યુ શિવપુરાણ અનુસાર આ દારૂકાવનમાં આવેલુ નાગેશ્વર જ્યોતિર્લિંગ નકારાત્મક્તા અને દુષ્ટ શક્તિઓથી રક્ષણનું પ્રતીક છે

રામેશ્વરમ જ્યોતિર્લિંગ (પંબન ટાપુ તમિલનાડુ)

ભગવાન શિવનું આ અગિયારમું જ્યોતિર્લિંગ તમિલનાડુમાં રામનાથમ નામના સ્થળે આવેલું છે. રામેશ્વર તીર્થને સેતુબંધ તીર્થ તરીકે પણ ઓળખવામાં આવે છે. તમિલનાડુના પંબન ટાપુ પર આવેલા રામેશ્વરમ જ્યોતિર્લિંગ પૂજા સાક્ષાત ભગવાન શ્રી રામે મહાદેવને પ્રસન્ન કરવા માટે કરી હતી

ઘૃષ્ણેશ્વર કે ઘુષ્મેશ્વર જ્યોતિર્લિંગ (ઔરંગાબાદ મહારાષ્ટ્ર)

ઘુષ્મેશ્વર જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રમાં સંભાજીનગર નજીક દૌલતાબાદ પાસે આવેલું છે. ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગમાંથી આ છેલ્લું જ્યોતિર્લિંગ છે. આ સ્થાનને 'શિવાલય' પણ કહેવામાં આવે છે. યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ ઇલોરા (એલોરા)ની ગુફાઓ નજીક આવેલુ સૌથી નાનું જ્યોતિર્લિંગ છે

  • Follow us on: