- શિવજીનો પ્રિય શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે
- આ મહિનો ભગવાન શિવની પૂજા માટે સમર્પિત છે
- શ્રાવણમાં કેટલીક વસ્તુઓ તમારા ઘરથી દૂર રાખો
ભગવાન શિવનો પ્રિય મહિનો એટલે કે શ્રાવણ. શિવજીને ભજવા ભક્તો શિવાલયમાં જઇ રહ્યા છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર આ પવિત્ર શ્રાવણ દરમિયાન તમારા ઘરમાં કઈ વસ્તુઓ ન રાખવી જોઈએ, નહીં તો તે તમારી સમસ્યાઓ વધારી શકે છે. આ વસ્તુઓને ઘરમાં રાખવી વાસ્તુની દૃષ્ટિએ સારી નથી માનવામાં આવતી. તો આજેજ આ વસ્તુઓને તમારા ઘરેથી દૂર કરી દો.
આ વસ્તુઓ ન રાખો
શ્રાવણમાં સાત્વિક ભોજન ખાવાનો નિયમ છે. એવું માનવામાં આવે છે કે જ્યારે સાધક શરીર અને મનની સ્વચ્છતા અને પવિત્રતાનું ધ્યાન રાખે છે ત્યારે જ તેને શિવ ઉપાસનાનું ફળ મળે છે. આથી માંસ, ઈંડા, ડુંગળી અને લસણ વગેરેને શ્રાવણ દરમિયાન ઘરમાં ન રાખવા જોઈએ. કારણ કે તેના કારણે ભક્તને પૂજાનું પૂર્ણ ફળ મળતું નથી. ઘરમાં નેગેટિવ એનર્જી પ્રવેશે છે. મન અશાંત બને છે.
આવી મૂર્તિઓ ન રાખવી
શ્રાવણ દરમિયાન તૂટેલી મૂર્તિ ઘરમાં રાખવાનું ટાળવું જોઈએ. આવું કરવાથી નકારાત્મકતા વધી શકે છે. તમે તૂટેલી મૂર્તિઓને નદી કે તળાવમાં તરતા મૂકી શકો છો. તમે આ મૂર્તિઓને મંદિરમાં અથવા પીપળાના ઝાડ નીચે પણ રાખી શકો છો. એ જ રીતે ઘરના મંદિરમાં જૂના ધાર્મિક પુસ્તકો રાખવાથી પણ નકારાત્મકતા વધે છે. તેથી આવા પુસ્તકોને પણ વહેતા સ્વચ્છ પાણીમાં વહાવી દેવા જોઈએ.
આ વાતોનું પણ ધ્યાન રાખો
હિંદુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. શ્રાવણ માસમાં ઘરમાં તુલસીનો છોડ લગાવવો શુભ માનવામાં આવે છે. પરંતુ ધ્યાન રાખો કે ભગવાન શિવની પૂજામાં તુલસીનો ઉપયોગ ન કરવો જોઈએ. આ સાથે ઘરમાં બંધ ઘડિયાળ પણ ન રાખવી જોઈએ, કારણ કે વાસ્તુની દૃષ્ટિએ તેને બિલકુલ સારી માનવામાં આવતી નથી.