• આ વર્ષે યોજાનાર નવરાત્રિમાં તિથીનો ક્ષય નહી હોય
  • નવરાત્રિમાં મંગળનો રાજયોગ, બુધ આદિત્ય યોગ અને ગજ કેસરી યોગ સર્જાશે
  • નવ દિવસ શક્તિની આરાધના વિશેષ પળ આપી શકે

હિંદુ શાસ્ત્રમાં વર્ષમાં નવરાત્રિ બે વખત આવે છે જે પૈકી એક ચૈત્રી નવરાત્રિ જ્યારે આસો મહિનામાં આવતી નવરાત્રિને શારદીય નવરાત્રિ તરીકે ઓળખવામાં આવે છે ત્યારે સમગ્ર દેશમાં ગુજરાત એક એવું રાજ્ય છે કે જે આસો નવરાત્રિમાં ખેલૈયાઓ અવનવા વસ્ત્રો સજીને મોડી રાત સુધી ગરબે ઘુમે છે. આ વર્ષે એવો સંયોગ થયો છે કે, નવરાત્રિમાં એક પણ તિથીનો ક્ષય થતો નથી. જેથી ખેલૈયાઓને નવ દિવસ મન ભરીને ગરબા ચોકમાં રાસ અને ગરબા રમવા મળશે. આ વખતની નવરાત્રિમાં વિવિધ યોગનો સંયોગ છે ત્યારે તા.15થી 23 ઓક્ટોબર સુધી ઉજવાનારી નવરાત્રિમાં મા અંબાની આરાધના ખૂબ જ ફળ આપશે.

નવરાત્રિમાં વિશેષ યોગની યુતીઓ સર્જાય

આમ તો નવરાત્રિ એટલે ગુજરાતીઓ માટે મહાપર્વ સમાન છે. ચાલુ વર્ષે નવરાત્રિમાં વિશેષ યોગની યુતીઓ સર્જાય છે. જેમાં ચંદ્રકુંડલીમાં સિંહ લગ્નનો ઉદય થાય છે. જેમાં મંગળનો રાજયોગ બુધનો આદિત્ય યોગ, ગજકેસરી યોગ છે. પંચાગની રીતે જોઈએ તો રવિયોગ, સિધ્ધીયોગ, અમૃતસિધ્ધી યોગ જેવા વિશેષ યોગમાં મા અંબાની આરાધના વિશેષ ફળદાયી નિવડી શકે છે. સાથોસાથ ચિત્રા નક્ષત્રમાં ચંદ્રની તુલા રાશિમાં પ્રવેશ પણ નવરાત્રિમાં થાય છે. જે મુજબ વૈધૃતિયોગનો પ્રારંભ તા. 15મીની સાંજે 06.13 મિનીટ છે. વૈધૃતિ યોગ મોડી રાત્રે 10 કલાક 24 મીનીટ થશે. 23 ઓક્ટોબરે નોમ સાથે જ નવરાત્રિ પર્વ પૂર્ણ થશે.

ચિત્રા નક્ષત્રમાં ચંદ્રની તુલા રાશિમાં પ્રવેશ પણ નવરાત્રિમાં થાય

નવરાત્રિના પ્રથમ દિવસે ઘટઃસ્થાપન, અખંડ જ્યોત, જવારારોપણ કરવા માટે ચલ, લાભ અને અમૃત ચોઘડીયું સારૂ છે. આઠમનો હવન, સોમવારે 23 ઓક્ટોબરે કરી શકાશે. હાથી સવારીનું આહવાન સારા વરસાદની સંભાવનાના યોગને કારણે આખુ વર્ષ સારૂ રહેશે. દેશમાં મહામારી, ભૂકંપ અને આંદોલનનો પ્રભાવ વધુ રહે તો નવાઈ નહી.

 ચિત્રા નક્ષત્રમાં કંકણાકૃતિ, સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહી

શનિવારથી મંગળવાર સુધી નવરાત્રિ હોય તો તે દિવસોમાં ઘોડા, હાથી, ડોલી સહિતના વાહન આવે છે ત્યારે દેવીનું વાહન હોડીમાં સવારી કરે છે. તો બીજી તરફ ચિત્રા નક્ષત્રમાં કંકણાકૃતિ, સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહી. આ ગ્રહણ 14 ઓક્ટોબરે થશે ભાદરવી અમાસે કન્યા રાશિ અને ચિત્રા નક્ષત્રમાં થનારૂ સૂર્યગ્રહણનો વેધ પાળવાનો રહેતો નથી. જોકે આ ગ્રહણ ઉત્તર અને મધ્ય અમેરિકા, કોલબિંયા અને બ્રાઝિલમાં દેખાશે. ગ્રહણ સાંજે 20 કલાક 33 મિનિટ અને 45 સેકેન્ડે શરૂ થઈ ગ્રહણ મધ્ય 23 કલાક 29 મિનિટ અને27 સેકેન્ડે આવશે. જ્યારે મોક્ષ 26 કલાક 25 મિનિટ 11 સેકેન્ડે થશે. સંપૂર્ણ ગ્રહણકાળ 5 કલાક 52 મિનિટ અને 17 સેકેન્ડનો રહશે.

  • Follow us on: