અદાણી જૂથની કંપની અદાણી પાવરે આજે એટલે કે 29 જાન્યુઆરીના રોજ ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. જેમાં કંપનીએ જણાવ્યું હતું કે ડિસેમ્બર ક્વાર્ટરમાં તેનો ચોખ્ખો નફો 7.4 ટકા વધીને રૂપિયા 2,940.07 કરોડ થયો છે, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂપિયા 2,737.96 કરોડ હતો.
અદાણી પાવરની આવક વધીને રૂપિયા 13,671.18 કરોડ થઈ
જોકે, કંપનીના નફામાં ત્રિમાસિક ધોરણે ઘટાડો થયો છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં તેનો ચોખ્ખો નફો રૂપિયા 3,297.52 કરોડ હતો. ડિસેમ્બર ક્વાર્ટરમાં અદાણી પાવરની આવક વધીને રૂપિયા 13,671.18 કરોડ થઈ છે, જે એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં રૂપિયા 12,991.44 કરોડ હતી. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં તેની આવક રૂપિયા 13,338.88 કરોડ હતી. ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામોની સાથે, કંપનીના બોર્ડે 5,000 કરોડ રૂપિયાનું ભંડોળ એકત્ર કરવાની યોજનાને પણ મંજૂરી આપી દીધી છે.
શેરના ભાવમાં 5 ટકાનો આવ્યો ઉછાળો
આ ભંડોળ ક્વોલિફાઈડ ઈન્સ્ટિટ્યૂશનલ પ્લેસમેન્ટ (QIP) દ્વારા એકત્ર કરવામાં આવશે. આ ઉપરાંત, બોર્ડે નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (NCDs) દ્વારા અગાઉ મંજૂર કરાયેલ ભંડોળ એકત્ર કરવાની યોજનાને રૂપિયા 5,000 કરોડથી વધારીને રૂપિયા 11,000 કરોડ કરવાની પણ મંજૂરી આપી દીધી છે. ત્રિમાસિક પરિણામોની જાહેરાત પછી તરત જ અદાણી પાવરના શેરમાં મોટો વધારો જોવા મળ્યો છે અને NSE પર 5.04 ટકાના ઉછાળા સાથે શેર રૂપિયા 522.25 પર બંધ થયો છે.
અદાણી ગ્રુપની કંપની અંબુજા સિમેન્ટે 1,758 કરોડ રૂપિયાનો નફો કર્યો
ગૌતમ અદાણીના અદાણી પોર્ટફોલિયોની સિમેન્ટ કંપની અંબુજા સિમેન્ટનો સ્ટેન્ડઅલોન નફો ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં 242 ટકા વધ્યો છે. કંપનીએ 90 દિવસના સમયગાળામાં 1,758 કરોડ રૂપિયાનો નફો કર્યો છે. જ્યારે 2023-24ના સમાન ક્વાર્ટરમાં કંપનીનો કુલ નફો 514 કરોડ રૂપિયા હતો. આ સમયગાળા દરમિયાન કંપનીની સ્વતંત્ર કામગીરીની આવક 10 ટકા વધીને રૂપિયા 4,850 કરોડ થઈ છે. જ્યારે પાછલા નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં કંપનીનો નફો 4,422 કરોડ રૂપિયા હતો.