- ટ્વિટર પર આ અંગે એક પોલમાં મસ્કના પક્ષમાં વધુ વોટ આવ્યા
- લિઝ વ્હીલર નામની મહિલાએ ટ્વિટર પર પોલ કર્યો
- ફોનની કિંમત 70-80 હજાર રૂપિયા હોઈ શકે છે
વિશ્વના સૌથી અમીર વ્યક્તિ અને ટ્વિટરના માલિક એલન મસ્કે કહ્યું છે કે જો જરૂર પડી તો તે પોતાનો સ્માર્ટફોન પણ લોન્ચ કરવા તૈયાર છે. તેમણે ટ્વિટર પર એક ટ્વિટના જવાબમાં આ વાત કહી. વિડિયો પોડકાસ્ટ 'ધ લિઝ વ્હીલર શો'ના હોસ્ટ લિઝ વ્હીલરે ટ્વીટ કર્યું કે જો એપલ અને ગૂગલ તેમના એપ સ્ટોર્સમાંથી ટ્વિટર હટાવે છે, તો એલન મસ્કે પોતાનો સ્માર્ટફોન લોન્ચ કરવો જોઈએ. વ્હીલરે આગળ લખ્યું, "અડધો દેશ રાજીખુશીથી પક્ષપાતી અને જાસૂસી કરનારા iPhone અને Android ને છોડી દેશે."
વ્હીલરે આગળ કહ્યું કે આ વ્યક્તિ મંગળ પર જવા માટે રોકેટ બનાવી શકે છે, તો પછી નાનો સ્માર્ટફોન બનાવવામાં કોઈ સમસ્યા ન હોવી જોઈએ. તેણે આ અંગે એક પોલ કર્યો છે. પોલમાં પૂછવામાં આવ્યું કે શું તમે 'tELONphone' પર સ્વિચ કરવા માંગો છો. આ સાથે તેણે મજાકમાં લોકોને ફોન માટે અન્ય નામ સૂચવવા માટે પણ કહ્યું છે. મળતી માહિતિ અનુસાર 56 ટકાથી વધુ લોકોએ આ પ્રશ્નનો 'હા'માં જવાબ આપ્યો છે.
મસ્કનો પ્રતિભાવ
આ ટ્વીટ પર પ્રતિક્રિયા આપતા એલન મસ્કે લખ્યું કે, "હું આશા રાખું છું કે આવું ન થાય, પરંતુ હા, જો કોઈ વિકલ્પ બચ્યો નથી, તો હું વૈકલ્પિક ફોન બનાવીશ." આ પહેલીવાર નથી કે જ્યારે મસ્ક દ્વારા મોબાઈલ ફોન લોન્ચ કરવાની વાત ચર્ચામાં આવી હોય. આ વર્ષે ઓક્ટોબરમાં આવેલા કેટલાક સમાચાર અનુસાર ટેસ્લા સ્માર્ટફોન પર કામ કરી રહી છે. તેનું નામ tesla pi phone છે. તેને આવતા મહિને ડિસેમ્બરમાં લોન્ચ કરવામાં આવશે તેમ જણાવાયું હતું. સમાચાર અનુસાર, આ ફોન 8 GB રેમ અને 512 GB ઇન્ટરનલ સ્ટોરેજ સાથે આવશે. તેમાં 40 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા હોઈ શકે છે. ભારતીય રૂપિયામાં તેની કિંમત 70-80 હજાર રૂપિયા આંકવામાં આવી રહી છે. જો કે આ અંગે કંપની તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
ટ્વિટર બ્લુ 2 ડિસેમ્બરના રોજ ફરીથી લોન્ચ કરવામાં આવશે
આ સંદર્ભમાં માહિતી આપતા એલન મસ્કે કહ્યું કે ટ્વિટર સંભવિતપણે આગામી શુક્રવારે એટલે કે 2 ડિસેમ્બરે તેનું બ્લુ ટિક સબસ્ક્રિપ્શન ફીચર લોન્ચ કરશે. મસ્કે કહ્યું કે આ વખતે ટિકનો રંગ અલગ હશે. મસ્કના જણાવ્યા અનુસાર, "કંપનીઓ માટે ગોલ્ડ ટિક, સરકાર માટે ગ્રે ટિક, સેલિબ્રિટી અથવા અન્ય વ્યક્તિઓ માટે બ્લુ ટિક હશે."