- અદાણી સમૂહની ઓફશોર કંપનીઓના જવાબદાર
- ભારતીય બેંકોની જાણ બહાર રશિયાની બેંકથી 240 કરોડ ડોલરની લોન લીધી
- હિંડનબર્ગના રિપોર્ટમાં પણ છે આ વાતનો ઉલ્લેખ
અદાણી સમૂહના ચેરમેન ગૌતમ અદાણીની મુશ્કેલીઓ અટકવાનું નામ લઈ રહી નથી. શોર્ટ સેલર કંપની હિંડનબર્ગના નેગેટિવ રિપોર્ટના કારણે અદાણી સમૂહને મોટો ઝટકો લાગ્યો છે. કંપનીના શેરમાં ભારે ઉથલપાથલ હાવી થઈ છે. ગૌતમ અદાણીની નેટવર્થ જે જાન્યુઆરીની શરૂઆતમાં 127 અબજ ડોલર હતી તે ઘટીને 50 અબજ ડોલરથી પણ નીચે આવી છે. અદાણીની મુશ્કેલીઓ તો જાણે કે અટકવાનું નામ જ લઈ રહી નથી, હવે આ દિગ્ગજ બિઝનેસ મેગેઝીન ફોર્બ્સે ગૌતમ અદાણીના ભાઈ વિનોદ અદાણીને લઈને મોટો ખુલાસો કર્યો છે.
ફોર્બ્સના વિનોદ અદાણી પર આરોપ
ગૌતમ અદાણી તેમના ભાઈ વિનોદ અદાણીની ઘણા નજીક છે. હવે ફોર્બ્સે વિનોદ અદાણી પર ગંભીર આરોપ લગાવ્યા છે. ફોર્બ્સે હાલમાં એક રિપોર્ટમાં મોટો ખુલાસો કર્યો છે કે વિનોદ અદાણીએ સિંગાપુરની કંપની માટે એક રશિયન બેંકથી 240 કરોડ ડોલરની લોન લીધી છે. આ લોન માટે તેઓએ ગૌતમ અદાણીની કંપનીના બેનામી સ્ટોકને ગિરવે રાખ્યા છે. એટલું નહીં તેઓએ તેની જાણકારી ભારતીય બેંકોને પણ આપી નથી. ફોર્બ્સના રિપોર્ટમાં દાવો કરાયો છે કે પ્રમોટરની ભાગીદારીને બેંકોને જણાવ્યા વિના ગિરવે રાખી છે. આ રિપોર્ટને હિંડનબર્ગે પણ ટ્વિટ કર્યું છે.
ઉલ્લેખનીય છે કે ગૌતમ અદાણીના ભાઈ વિનોદ અદાણી પ્રવાસી ભારતીય છે. વિનોદ અદાણી અદાણી સમૂહની સાથે જોડાયેલી ઓફશોર કંપનીની જવાબદારી સંભાળે છે. તે સિંગાપુર અને જકાર્તામાં અદાણી સમૂહના બિઝનેસને સંભાળે છે. હિંડનબર્ગે પણ રિપોર્ટમાં વિનોદ અદાણી પર સવાલો ઉઠાવ્યા છે. તેમની પર આરોપ લગાવાયો છે કે તે અનેક નકલી કંપનીઓ ચલાવે છે. હિંડનબર્ગે રિપોર્ટમાં અદાણી સમૂહમાં હેરાફેરીનો આરોપ લગાવ્યો છે. આ રિપોર્ટ બાદ સડકથી લઈને સંસદ સુધી હંગામો થયો છે, રોકાણકારોની ચિંતા વધી છે. આ સિવાય ગૌતમ અદાણી વારંવાર એ દાવો કરી રહ્યા છે કે તેમની કંપનીની બેલેન્સ શીટ મજબૂત છે.