- ફૂડ સ્ટોલ પર મળનારી વસ્તુઓની કિંમત સ્થિર
- IRCTCએ પેન્ટ્રી કારની 70 વસ્તુના ભાવમાં કર્યો વધારો
- ખાણીપીણીની વસ્તુઓમાં રૂપિયા 2થી લઈને 10નો વધારો થયો
રેલવેમાં મુસાફરી કરનારા યાત્રીઓને હાલમાં મોંઘવારીનો સામનો કરવો પડી રહ્યો છે. ટ્રેનમાં ખાવા-પીવાની ચીજોમાં વધારો કરી દેવાયો છે. IRCTCએ પેન્ટ્રી કારમાં મળનારા તમામ વસ્તુના ભાવમાં વધારો કર્યો છે. પૂર્વ મધ્ય રેલવેથી પસાર થનારી ટ્રેનમાં ખાણીપીણીની કિંમતમાં વધારો કરવાનો નિર્ણય લેવાયો છે. IRCTCના ક્ષેત્રીય મહાપ્રબંધક રાજેશ કુમારે કહ્યું કે ફૂડની ક્વોલિટી અને ક્વોન્ટિટીમાં સુધારો કરાયો છે. તેના કારણે ખાવાપીવાની ચીજોમાં વધારો કરાયો છે. રોટલી, દાળ, સેન્ડવિચ અને ઢોંસા સહિતના અનેક ફૂડની કિંમતમાં વધારો ઝીંકાયો છે.
ટ્રેનમાં ખાવાનું થયું મોંઘું
IRCTCએ ટ્રેનમાં દરેક ફૂડના ભાવમાં વધારો કર્યો છે પરંતુ રાહતની વાત એ છે કે સ્ટેશન પરના ફૂડ સ્ટોલ પર મળનારી ચીજોની કિંમતો એમ જ રાખવામાં આવી છે. IRCTCના પૂર્વ મધ્ય રેલ્વેથી પસાર થનારી ટ્રેનમાં દરેક વસ્તુની કિંમતમાં રૂપિયા 2થી લઈને 10નો વધારો કરાયો છે. અલગ અલગ ચીજની કિંમતના અલગ અલગ ભાવ વધારવામાં આવ્યા છે. IRCTCએ 70 વસ્તુનું લિસ્ટ જાહેર કર્યું છે જેના ભાવમાં ફેરફાર કરાયા છે.
જાણો કેટલું મોંઘું થયું ફૂડ
ટ્રેનમાં પેન્ટ્રી કારમાં મળનારી ખાવાની ચીજોની કિંમતના ભાવમાં વધારો કર્યો છે. આ પછી નવું રેટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે.
સમોસા પહેલા 8 રૂપિયે મળતા હતા જે હવે 10 રૂપિયે મળશે. આ સિવાય સેન્ડવિચના ભાવ 15 રૂપિયાથી વધારીને 25 રૂપિયા કરી દેવાયા છે. તો બર્ગરના ભાવ 40 રૂપિયાથી વધારીને 50 રૂપિયા કરાયા છે. 100 ગ્રામ ઢોકળાના ભાવ 20 રૂપિયાથી 30 રૂપિયા થયા છે. બ્રેડપકોડા 10 રૂપિયાને બદલે હવે 15 રૂપિયામાં મળશે. તો આલુવડાની કિંમત રૂપિયા 7થી વધારીને 10 કરી દેવામાં આવી છે. મસાલા ઢોંસાની કિંમતને 40 રૂપિયાથી વધારીને 50 રૂપિયા કરાઈ છે. તો રોટલીની કિંમત 3 રૂપિયાથી વધીને 10 રૂપિયાની કરાઈ છે.