રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ તાજેતરમાં મહત્વની માહિતી જાહેર કરી છે, જેના મુજબ 2024ના અંત સુધીમાં ભારતની બેંકોમાં દાવો ન કરાયેલી રકમ લગભગ ₹62,314 કરોડ સુધી પહોંચી ગઈ છે. આ રકમ એવા બેંક ખાતાઓમાં છે જેમાં છેલ્લા 10 વર્ષ કે તેથી વધુ સમયથી કોઈ લેવડદેવડ થઈ નથી.
આ ખાતાઓને શું કહેવ્યા ?
આ ખાતાઓને “ઇનઓપરેટિવ” અથવા “ડોર્મન્ટ” ખાતા કહેવામાં આવે છે. ઘણા લોકો નોકરી બદલવા, શહેર બદલવા, કે પછી ખાતું ભૂલી જવાના કારણે આવા ખાતાઓમાં પૈસા પડ્યા રહે છે.
સરકારી બેંકો પાસે સૌથી મોટો હિસ્સો
આ આંકડામાં સૌથી મોટો હિસ્સો જાહેર સરકારી બેંકો પાસે છે. કુલ બિનદાવા કરાયેલી રકમમાંથી આશરે ₹50,900 કરોડ માત્ર જાહેર ક્ષેત્રની બેંકોમાં જ છે. તેમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ટોપ પર છે. RBIના વાર્ષિક અહેવાલ અનુસાર, SBI પાસે એકલા જ આશરે ₹16,968 કરોડના દાવો વગરના પૈસા છે. અન્ય મોટી સરકારી બેંકો પણ આ યાદીમાં સામેલ છે.
2021માં આશરે ₹31,000 કરોડ
છેલ્લા કેટલાક વર્ષોના આંકડા જોઈએ તો સ્થિતિ વધુ સ્પષ્ટ થાય છે. 2021માં દાવો ન કરાયેલી રકમ આશરે ₹31,000 કરોડ હતી, જે માત્ર ત્રણ વર્ષમાં બમણી થઈ ગઈ છે. આ બતાવે છે કે ઘણા લોકો હજુ પણ પોતાના જૂના બેંક ખાતાઓ વિશે અજાણ છે.
દાવો ન કરેલા પૈસા કેવી રીતે પાછા મેળવો?
જો તમારું અથવા તમારા પરિવારના કોઈ સભ્યનું જૂનું બેંક ખાતું હોય, તો પૈસા પાછા મેળવવાની પ્રક્રિયા ખૂબ સરળ છે. ખાતાધારક, સંયુક્ત ખાતાધારક, નોમિની અથવા કાનૂની વારસદાર દાવો કરી શકે છે. આ માટે સંબંધિત બેંક શાખાની મુલાકાત લેવી પડશે. ત્યાં આધાર કાર્ડ, પાન કાર્ડ, ઓળખ અને સરનામાનો પુરાવો જેવા KYC દસ્તાવેજો જમા કરાવવા પડશે. જો તમે ખાતું ફરીથી ચાલુ રાખવા માંગતા હો, તો બેંક જરૂરી ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા બાદ ખાતું ફરી સક્રિય કરી દેશે. જો ખાતું બંધ કરીને પૈસા ઉપાડવા માંગતા હો, તો બેંક દાવાની પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી રકમ પરત કરશે.
DEA ફંડ શું છે?
RBIના નિયમ મુજબ, જો કોઈ ખાતામાં 10 વર્ષ સુધી કોઈ પ્રવૃત્તિ ન થાય અને દાવો ન કરવામાં આવે, તો તે રકમ RBIના “ડિપોઝિટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ (DEA) ફંડ”માં ટ્રાન્સફર થાય છે. મહત્વની વાત એ છે કે DEA ફંડમાં ટ્રાન્સફર થયા પછી પણ ખાતાધારક અથવા તેમના વારસદારોના અધિકારો પૂરેપૂરા સુરક્ષિત રહે છે. એટલે કે, તમે હજી પણ તમારા પૈસા પરત મેળવી શકો છો.
સરકારનું જાગૃતિ અભિયાન
લોકોને આ અંગે માહિતગાર કરવા માટે સરકારે “તમારા પૈસા, તમારા અધિકારો” નામનું જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાનનો ઉદ્દેશ્ય લોકોને તેમના ભૂલાયેલા અથવા જૂના બેંક ખાતાઓ તપાસવા અને પોતાના હકના પૈસા પાછા મેળવવા પ્રોત્સાહિત કરવાનો છે. જો તમે લાંબા સમયથી કોઈ બેંક ખાતું ઉપયોગમાં લીધું ન હોય, તો એકવાર ચોક્કસ તપાસ કરો. શક્ય છે કે તમારી કે તમારા પરિવારની બચત હજુ પણ બેંકમાં તમારી રાહ જોઈ રહી હોય.
આ પણ વાંચો : Silver Price Today: ચાંદી થઇ સસ્તી! 18000 રૂપિયા ઘટ્યા, જાણો 1 કિલોનો લેટેસ્ટ ભાવ