ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ (F&O) ટ્રેડિંગ સામાન્ય રીતે ખૂબ જોખમી માનવામાં આવે છે, પરંતુ તાજેતરની એક ઘટનાએ ટ્રેડિંગ સિસ્ટમ અને બ્રોકરની જવાબદારી અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. આ કિસ્સામાં રાજગુરુ નામના વેપારીના ટ્રેડિંગ એકાઉન્ટમાં બ્રોકરમાં ટેકનિકલ ખામીને કારણે અચાનક માર્જિન મર્યાદા આશરે ₹40 કરોડ દર્શાવવામાં આવી હતી.
બજારે દિશા બદલી અને થયો નફો
આ રકમ તેની વાસ્તવિક મૂડી નહોતી, પરંતુ સિસ્ટમમાં આ ખામીને કારણે તે આટલી મોટી મર્યાદા સાથે F&O ટ્રેડ કરી શક્યો. ટ્રેડિંગની શરૂઆતમાં બજાર તેમના પક્ષમાં નહોતું. બજારની અસ્થિરતા વચ્ચે તેમને પ્રથમ 20 મિનિટમાં આશરે રૂપિયા 54 લાખનું નુકસાન સહન કરવું પડ્યું. ત્યારબાદ બજારે દિશા બદલી અને વેપારીએ ઝડપથી પોતાની વ્યૂહરચના ગોઠવી. થોડા જ સમયમાં તેમણે આશરે રૂપિયા 2.38 કરોડનો નફો કર્યો, જેના પરિણામે કુલ નફો 1.75 કરોડનો થયો.
બ્રોકરે નફો કેમ બંધ કર્યો?
જ્યારે બ્રોકરેજ ફર્મને સિસ્ટમમાં ટેકનિકલ ભૂલની જાણ થઈ, ત્યારે તેણે તાત્કાલિક માર્જિન મર્યાદા સુધારી દીધી અને બ્રોકરેજ અને અન્ય ચાર્જિસ બાદ કર્યા પછી, સમગ્ર નફો તેના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો, જેનાથી વેપારીના ખાતામાં કોઈ બેલેન્સ ન રહ્યું. વેપારીએ પહેલા બ્રોકર અને પછી NSE રોકાણકાર ફરિયાદ સેલમાં ફરિયાદ નોંધાવી, પરંતુ તેને કોઈ રાહત મળી નહીં. આર્બિટ્રેશન ટ્રિબ્યુનલે પણ તેનો દાવો ફગાવી દીધો. ત્યારબાદ તેણે NSE અપીલ ફોરમમાં અપીલ કરી, જ્યાં નિર્ણય તેના પક્ષમાં આવ્યો. ફોરમે આદેશ આપ્યો કે વેપારીનો 1.75 કરોડ રૂપિયાનો નફો તેને 12 ટકા વ્યાજ સાથે પરત કરવામાં આવે. આ પછી, NSEએ બ્રોકરના ખાતામાંથી આશરે 2.01 કરોડ રૂપિયા કાપી લીધા.
આ અંગે બોમ્બે હાઈકોર્ટએ શું આપ્યો નિર્ણય?
બ્રોકર કંપનીએ આ આદેશ સામે બોમ્બે હાઈકોર્ટમાં અપીલ કરી, પરંતુ 3 ડિસેમ્બર, 2025ના રોજ, કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું કે ટેકનિકલ ભૂલ બ્રોકરની હતી. કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે વેપારીએ ન તો છેતરપિંડી કરી છે કે ન તો કોઈપણ રીતે નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. કોર્ટના મતે જો વેપારમાં નુકસાન થાય છે તો તેના માટે વેપારી જવાબદાર રહેશે. તેથી, જો નફો થાય છે તો બ્રોકરનો તેમના પર કોઈ અધિકાર નથી.
આ પણ વાંચો: Upcoming IPOs : રોકાણકારો પૈસા રાખજો તૈયાર, સેબીએ 8 IPOને આપી મંજૂરી
ડિસ્કલેમર- આ માહિતી માત્ર તમારી જાણકારી માટે છે. શેરબજારમાં કે અન્ય કોઈ જગ્યા પર રોકાણ કરતા પહેલા તમારા ફાયનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લેવી.