8 નવેમ્બર, 2016 ના રોજ સરકારે 500 અને 1000 રૂપિયાની નોટો બંધ કરવાની જાહેરાત કરી ત્યારે દેશભરમાં ગભરાટ ફેલાયો હતો. બેંકો અને એટીએમની બહાર લોકોની લાંબી કતારો જોવા મળી હતી જેથી તેઓ પોતાની નોટો બદલી શકે. આજે પણ આ યાદો જીવંત છે. પરંતુ હવે એક ફરીવાર નોટબંધીને લઇને ચર્ચાઓ ફેલાઇ છે.
500ની ચલણી નોટ બંધ થઇ જશે?
સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઇ રહી છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે સરકાર માર્ચ 2026 સુધીમાં 500 રૂપિયાની નોટો બંધ કરી શકે છે. પરિણામે એટીએમ પણ 500 રૂપિયાની નોટો બંધ કરી દેશે. આ વાયરલ પોસ્ટથી સવાલો ઉભા થયા છે કે શું 500 રૂપિયાની નોટો ખરેખર ચલણમાંથી ગાયબ થઈ જશે. લોકો માનવા લાગ્યા છે કે સરકાર ફરી એકવાર 500 રૂપિયાની નોટો બંધ કરશે અને તેના પર પ્રતિબંધ મૂકશે.ત્યારે આવો જાણીએ સચ્ચાઇ શું છે.
શું છે સાચુ ?
પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો (PIB) એ સોશિયલ મીડિયા થઇ રહેલો દાવો ફગાવી દીધો છે. આ એ દાવો છે જેમાં કહેવામાં આવ્યું છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) માર્ચ 2026 સુધીમાં 500 રૂપિયાની નોટ બંધ કરશે, આ અહેવાલોને પીઆઇબીએ ખોટા અને ભ્રામક ગણાવ્યા છે. જેથી સ્પષ્ટપણે કહી શકાય કે સરકાર કોઈ નોટબંધીનું આયોજન કરી રહી નથી.
સોશિયલ મીડિયા પર આ અંગે પ્રતિક્રિયા આપતા PIB ના ફેક્ટ-ચેકિંગ યુનિટે જણાવ્યું હતું કે રિઝર્વ બેંકે 500 રૂપિયાની નોટોને બંધ કરવાની કોઈ યોજના જાહેર કરી નથી. RBIનો દાવો કે 500 રૂપિયાની નોટો માર્ચ 2026 સુધીમાં બંધ કરવામાં આવશે તે ખોટો છે. આનો અર્થ એ છે કે 500 રૂપિયાની નોટો સંપૂર્ણપણે માન્ય છે અને ચલણમાં રહેશે. સરકાર હાલમાં તેને બંધ કરવાની કોઈ યોજના ધરાવતી નથી.
અગાઉ પણ ફેલાઇ હતી અફવા
આવું પહેલીવાર નથી જ્યારે આવી ભ્રામક માહિતી ફેલાવવામાં આવી હોય. પહેલા પણ આવા દાવા કરવામાં આવ્યા છે. જૂનમાં પણ આવી જ અફવા ફેલાઈ હતી કે સરકાર માર્ચ 2026 સુધીમાં 500 રૂપિયાની નોટને બંધ કરી શકે છે. યુટ્યુબ પર એક ન્યૂઝ એન્કર આ દાવો કરતા જોવા મળ્યા હતા.
ઓગસ્ટમાં નાણા મંત્રાલયના રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ સંસદમાં જણાવ્યું હતું કે 500 રૂપિયાની નોટોનો પુરવઠો બંધ કરવાની કોઈ યોજના નથી. આ નોટો સંપૂર્ણપણે સલામત છે અને ચલણમાં રહેશે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે એટીએમ ₹100 અને ₹200 જેવી અન્ય નોટો સાથે ₹500 ની નોટો પણ આપતું રહેશે.
સરકારે વારંવાર લોકોને ચેતવણી આપી છે કે ચલણ પરિભ્રમણ સંબંધિત કોઈપણ માહિતીની ચકાસણી કર્યા વિના વિશ્વાસ ન કરો અને ભાર મૂક્યો છે કે નોટો અંગેના કોઈપણ મોટા નિર્ણયની ઔપચારિક જાહેરાત આરબીઆઈ દ્વારા સત્તાવાર ચેનલો દ્વારા કરવામાં આવશે.