શેરબજારમાં ઘણી કંપનીઓ રોકાણકારોને મોટો નફો આપે છે, પરંતુ કેટલીક કંપનીઓ ભારે નુકસાન પણ કરાવે છે. આવું જ એક મોટું ઉદાહરણ જયપ્રકાશ એસોસિએટ્સ લિમિટેડ (JAL) સામે આવ્યું છે, જેના ડીલિસ્ટિંગને સ્ટોક એક્સચેન્જે મંજૂરી આપી છે. હવે આ કંપની શેરબજારમાંથી સંપૂર્ણપણે બહાર થઈ જશે.


18 જૂનથી JALના શેરોનું ટ્રેડિંગ બંધ થઈ જશે

સ્ટોક એક્સચેન્જના નિર્ણય મુજબ 18 જૂન 2026થી JALના શેરોનું ટ્રેડિંગ બંધ થઈ જશે. કંપની પહેલેથી જ નાણાકીય સંકટ અને દિવાળિયા પ્રક્રિયા હેઠળ હતી. નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)ની મંજૂરી બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. કંપનીને અદાણી ગ્રુપે આશરે 14,000 કરોડ રૂપિયામાં ખરીદી છે. નેશનલ સ્ટોક એક્સચેન્જના આંકડા મુજબ કંપનીમાં લગભગ 71.23 ટકા હિસ્સો જાહેર રોકાણકારો પાસે હતો. 

6.5 લાખ રોકાણકારોના પૈસા ડુબ્યા 

અંદાજે 6.5 લાખ શેરહોલ્ડર્સને હવે કોઈ વળતર મળશે નહીં, કારણ કે રિઝોલ્યુશન પ્લાન હેઠળ શેરધારકોને ‘ઝીરો કન્સિડરેશન’ આપવામાં આવ્યું છે. એટલે કે તેમનું રોકાણ સંપૂર્ણપણે શૂન્ય ગણાશે. કંપનીના ડીલિસ્ટિંગ બાદ જૂનો શેરહોલ્ડિંગ સ્ટ્રક્ચર સંપૂર્ણ રીતે સમાપ્ત થઈ જશે અને રોકાણકારોના શેરની કિંમત શૂન્ય બની જશે. JALનું વ્યવસાય બાંધકામ, રિયલ એસ્ટેટ, પાવર અને હોટલ જેવા વિવિધ ક્ષેત્રોમાં ફેલાયેલું હતું. 

કંપની પાસે ફોર્મ્યુલા વન સર્કિટ જેવી સંપત્તિ પણ હતી. વિશેષજ્ઞોનું કહેવું છે કે આ ઘટના રોકાણકારો માટે મહત્વનો પાઠ છે કે માત્ર સસ્તા શેરના આધારે રોકાણ કરવું જોખમી સાબિત થઈ શકે છે. ભારે દેવું અને નબળી નાણાકીય સ્થિતિ ધરાવતી કંપનીઓમાં રોકાણ કરતા પહેલા સાવધાની રાખવી જરૂરી છે.

આ પણ વાંચો : Yes Bank સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં EDની મોટી કાર્યવાહી, 17 સ્થળોએ પાડ્યા દરોડા



  • Follow us on: