જો તમે પણ એવા લોકોમાંથી એક છો જેમણે લાંબા સમયથી પોતાના બેંક ખાતાનો ઉપયોગ કર્યો નથી, તો તમારું ખાતું Dormant ખાતું બની શકે છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના નિયમો અનુસાર, બેંક એવા એકાઉન્ટને નિષ્ક્રિય કે Dormant જાહેર કરી દે છે જેમાં 10 વર્ષથી ગ્રાહકની કોઈ એક્ટિવિટી નથી જોવા મળતી. એટલે કે આ દરમિયાન ના તેમાં પૈસા જમા કરવામાં આવ્યા હોય છે કે ના ઉપાડવામાં આવ્યા હોય છે.
આવી સ્થિતિમાં બેંક તેને Dormant કેટેગરીમાં મુકી દે છે, જે બાદ તમે ના તો તેમાંથી પૈસા ઉપાડી શકશો કે ના તો કોઈ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરી શકશો. આમાં સેવિંગ એકાઉન્ટ, કરંટ એકાઉન્ટ અને એવી ફિક્સ્ડ ડિપોઝિટ પણ આવી જાય છે જે મેચ્યોર તો થઈ ગઈ છે પણ તેમાં કોઈ પણ પ્રકારની ગતિવિધિ લાંબા સમયથી જોવા નથી મળી.
એકાઉન્ટ Dormant થવાના છે ઘણા નુકસાન
ડોરમેન્ટ એકાઉન્ટના ઘણા ગેરફાયદા છે. તેમાં નેટ બેંકિંગ, ઓનલાઈન બેંકિંગ અને એટીએમ ઉપાડની સુવિધા બંધ થઈ જાય છે. આનો અર્થ એ છે કે જો તમારા ખાતામાં પૈસા હશે, તો પણ તમે જરૂર પડ્યે તેનો ઉપયોગ કરી શકશો નહીં. આ સાથે, ઓટો ડેબિટ પણ બંધ થઈ જાય છે, ઉદાહરણ તરીકે, જો તમે ટીપી રિચાર્જ, વીજળી બિલ અથવા વીમા પ્રીમિયમ માટે ઓટો ડેબિટ સેટ કરેલું હશે, અને તે એકાઉન્ટ Dormant થઈ જશે તો આ ટ્રાન્ઝેક્શન ફેલ જશે.
તમને બેંક તરફથી SMS અને ઇમેઇલથી મળનારા એલર્ટ પણ બંધ થઈ જશે. જેના કારણે તમને વ્યાજ દરમાં ફેરફાર અથવા ખાતા સંબંધિત કોઈપણ ફેરફારો જેવી મહત્વપૂર્ણ માહિતી પ્રાપ્ત થશે નહીં. બીજા ગેરફાયદા પણ છે. જો કોઈ એકાઉન્ટ લાંબા સમય સુધી નિષ્ક્રિય રહે છે, તો તેના પર હેકિંગનું જોખમ વધી જાય છે.
કેવી રીતે એકાઉન્ટને કરવું રીએક્ટિવેટ?
જો તમે તમારા નિષ્ક્રિય ખાતાને ફરીથી સક્રિય કરવા માગો છો તો તમારે પહેલા તમારું KYC અપડેટ કરાવવું પડશે. તમારે તમારા આધાર કાર્ડ, PAN કાર્ડ, પાસપોર્ટ-સાઇઝ ફોટો અને સરનામાના પુરાવા સાથે તમારી હોમ બ્રાન્ચની મુલાકાત લેવી પડશે. બેંક તમારી ઓળખ અને ડૉક્યુમેન્ટ્સ ચેક કરી તેની વિગતો અપડેટ કરશે. પછી રિએક્ટિવેશનની પ્રોસેસ શરૂ થશે. કેટલીકવાર, બેંકો તમને નાની રકમનું ટ્રાન્ઝેક્શન કરવાનું કહે છે. જેમ કે 100 રૂપિયા, જેથી ટ્રાન્ઝેક્શનને રેકોર્ડ કરી શકાય. મોટાભાગે થોડા સમય પછી તમારું એકાઉન્ટ સક્રિય થઈ જાય છે.
કેટલો લાગે છે ચાર્જ?
રિઝર્વ બેંકે સ્પષ્ટપણે જણાવ્યું છે કે બેંકો નિષ્ક્રિય ખાતાઓ પર કોઈ ચાર્જ વસૂલતી નથી. જોકે, ખાતું ફરીથી સક્રિય થયા પછી SMS એલર્ટ, મિનિમમ બેલેન્સ અથવા ચેકબુક ચાર્જ જેવા સર્વિસ ચાર્જ લાગી શકે છે.
RBI પાસે પૈસા ટ્રાન્સફર થઈ ગયા હોય તો?
જો તમારું ખાતું નિષ્ક્રિય હોય અને બેંકે તમારા પૈસા RBIના DEAF એટલે કે ડિપોઝિટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડમાં ટ્રાન્સફર કરી દીધા હોય તો ગભરાવાની કોઈ જરૂર નથી. એકવાર તમારું ખાતું સક્રિય થઈ જાય, પછી તમે તમારી બેંક દ્વારા RBI પાસેથી પૈસાનો ક્લેમ કરી શકો છો. આ પ્રક્રિયા થોડી લાંબી છે, કારણ કે બેંક તમારા ભૂતકાળના રેકોર્ડ, સહી અને ઓળખની ઝીણવટપૂર્વક તપાસ કરશે. જોકે, તમારા પૈસા સુરક્ષિત રહે છે. RBIના નિયમો અનુસાર, Dormant એકાઉન્ટના રિએક્ટિવેશન માટે વેરિફિકેશન ઓનલાઈન શક્ય નથી, આના માટે તમારે બેંકની મુલાકાત લેવી પડશે.