ભારતીય કરદાતાઓ માટે વર્ષ 2026 એક ઐતિહાસિક પરિવર્તન લઈને આવી રહ્યું છે. 1 એપ્રિલ 2026થી અમલમાં આવનારા 'આયકર નિયમ 2026' હાલના 1961ના જૂના કાયદાનું સ્થાન લેશે. આ ફેરફારોની સીધી અસર મધ્યમ વર્ગ, ખાસ કરીને નોકરીયાત વર્ગની સેલરી સ્લિપ અને તેમના 'ફોર્મ 16' પર જોવા મળશે.


નવા નિયમો પાછળનો હેતુ

સરકારનો ઉદ્દેશ્ય ટેક્સ પ્રક્રિયાને વધુ પારદર્શક અને સરળ બનાવવાનો છે. આ ડ્રાફ્ટ નિયમોમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે એમ્પ્લોયર દ્વારા આપવામાં આવતી સુવિધાઓ (Perquisites) જેવી કે ઘર, કાર, ફ્રી ભોજન અને ગિફ્ટ પર ટેક્સની ગણતરી કેવી રીતે કરવામાં આવશે.

મુખ્ય 10 ફેરફારો જે તમારે જાણવા જોઈએ

1. રિટાયરમેન્ટ ફંડ પર ટેક્સ

જો તમારી કંપની PF, NPS અથવા સુપરએન્યુએશન ફંડમાં વર્ષે ₹7.5 લાખથી વધુનું યોગદાન આપે છે, તો તે રકમ હવે ટેક્સપાત્ર ગણાશે. આટલું જ નહીં, તે વધારાની રકમ પર મળતું વ્યાજ પણ ટેક્સના દાયરામાં આવશે.

2. કંપની આવાસ (Accommodation)

ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે ટેક્સની ગણતરી શહેરની વસ્તીના આધારે થશે. 40 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં સેલરીના 10%, 15 થી 40 લાખની વસ્તીમાં 7.5% અને અન્ય સ્થળોએ 5% મુજબ ટેક્સ વેલ્યુ નક્કી થશે.

3. ભાડાનું ઘર

જો કંપની ઘર ભાડે લઈને કર્મચારીને આપે છે, તો વાસ્તવિક ભાડું અથવા સેલરીના 10% પૈકી જે ઓછું હોય તેના પર ટેક્સ લાગશે.

4. ઓફિસ કારની સુવિધા

ઓફિસ અને અંગત કામ માટે મળતી કાર પર ફિક્સ ટેક્સ લાગશે. 1.6 લિટર એન્જિન સુધીની કાર માટે ₹5,000/મહિને અને મોટી કાર માટે ₹7,000/મહિને ટેક્સપાત્ર ગણાશે.

5. ગિફ્ટ વાઉચરની મર્યાદા

હવે કંપની તરફથી મળતા ગિફ્ટ કે વાઉચર વર્ષના ₹15,000 સુધી જ ટેક્સ-ફ્રી રહેશે. જો કિંમત આનાથી વધશે, તો પૂરેપૂરી રકમ પર ટેક્સ લાગશે.

6. ફ્રી મીલ (ભોજન)

ઓફિસમાં મળતું જમણવાર દીઠ ₹200 સુધી ટેક્સ-ફ્રી છે. આમાં મીલ વાઉચરનો પણ સમાવેશ થાય છે.

7. વ્યાજ મુક્ત લોન

જો કંપની કર્મચારીને વ્યાજ વગરની લોન આપે અને રકમ ₹2 લાખથી વધુ હોય, તો SBI ના લેન્ડિંગ રેટ મુજબ જે વ્યાજ બચે છે તેને તમારી આવક ગણી ટેક્સ વસૂલવામાં આવશે.

8. ડિજિટલ ઈકોનોમી અને વિદેશી વેપાર

વિદેશી ડિજિટલ કંપનીઓના ભારતમાં 3 લાખથી વધુ યુઝર્સ હોય અથવા ₹2 કરોડથી વધુનું ટ્રાન્ઝેક્શન હોય, તો તેમણે ભારતમાં ટેક્સ ચૂકવવો પડશે.

9. ટેક્સ-ફ્રી આવક પાછળનો ખર્ચ

જો તમે કોઈ ટેક્સ-ફ્રી રોકાણ કરો છો, તો તેના મેનેજમેન્ટ પાછળ થતા ખર્ચને સરેરાશ રોકાણના 1% તરીકે ગણવામાં આવશે.

10. ફોર્મ 16 અને સેલરી સ્ટ્રક્ચર

કંપનીઓએ હવે નવા નિયમો મુજબ સેલરી બ્રેકઅપ આપવું પડશે, જેથી એસેસમેન્ટ યર 2027-28 માં ટેક્સ ફાઇલિંગમાં સરળતા રહે.

આ નવા નિયમો 1 એપ્રિલ 2026 થી અમલમાં આવશે, તેથી કરદાતાઓએ અત્યારથી જ તેમના રોકાણ અને ટેક્સ પ્લાનિંગની તૈયારી શરૂ કરી દેવી જોઈએ. તમારી સેલરીમાં મળતા ભથ્થાંઓનું પુનઃમૂલ્યાંકન કરવું હિતાવહ છે.


  • Follow us on: