રશિયન તેલને લઈને ગુજરાતના જામનગર સ્થિત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની રિફાઇનરી અંગે મોટા પાયે ચર્ચા શરૂ થઈ હતી. કેટલાક આંતરરાષ્ટ્રીય મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે રશિયન ક્રૂડ તેલથી ભરેલા ત્રણ જહાજો જામનગર રિફાઇનરી તરફ જઈ રહ્યા છે. આ દાવાઓ પછી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે આ તમામ અહેવાલો સંપૂર્ણપણે ખોટા અને આધારવિહોણા છે.


રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સ્પષ્ટા

મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે સ્પષ્ટ કહ્યું છે કે છેલ્લા ત્રણ અઠવાડિયામાં જામનગર રિફાઇનરીમાં રશિયન તેલનો એકપણ કાર્ગો આવ્યો નથી. એટલું જ નહીં, કંપનીએ એ પણ જણાવ્યું કે જાન્યુઆરી મહિનામાં પણ રશિયન ક્રૂડ તેલની કોઈ ડિલિવરી થવાની નથી.

સોશિયલ મીડિયામાં આપ્યું નિવેદન

એક અહેવાલમાં જણાવાયું હતું કે આશરે 2.2 મિલિયન બેરલ યુરલ ગ્રેડનું રશિયન તેલ લઈને ત્રણ જહાજો જામનગર તરફ જઈ રહ્યા હતા. આ અહેવાલ સામે રિલાયન્સે કડક પ્રતિક્રિયા આપતા તેને “ખુલ્લેઆમ જુઠ્ઠાણું” ગણાવ્યું છે. કંપનીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર નિવેદન જાહેર કરી પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી છે.

નિવેદનમાં શું કહ્યું ?

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે પોતાના નિવેદનમાં કહ્યું છે કે કેટલાક મીડિયા હાઉસીસે જાન્યુઆરી માટે રશિયન તેલ ખરીદવાનો ઇનકાર કર્યા બાદ પણ ખોટા અહેવાલો પ્રકાશિત કર્યા છે, જે કંપનીની છબીને ખરડાવવાનો પ્રયાસ છે. કંપનીએ નિષ્પક્ષ પત્રકારત્વની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો છે.

વિશ્વનું સૌથી મોટું ઓઇલ રિફાઇનરી

ઉલ્લેખનીય છે કે જામનગરમાં આવેલું રિલાયન્સનું રિફાઇનરી કોમ્પ્લેક્સ વિશ્વનું સૌથી મોટું ઓઇલ રિફાઇનરી સંકુલ છે. અગાઉ રિલાયન્સ ભારતની સૌથી મોટી રશિયન તેલ ખરીદદાર કંપની રહી છે, પરંતુ નવેમ્બર મહિનામાં યુરોપિયન યુનિયનના પ્રતિબંધોને ધ્યાનમાં રાખીને રશિયન ક્રૂડનો ઉપયોગ બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો.


1.7 થી 1.8 મિલિયન બેરલ ડિસ્કાઉન્ટેડ રશિયન તેલ

એક સમયે રિલાયન્સ દરરોજ ભારત આવતાં 1.7 થી 1.8 મિલિયન બેરલ ડિસ્કાઉન્ટેડ રશિયન તેલમાંથી લગભગ અડધો હિસ્સો ખરીદતી હતી. હાલ કંપનીએ આ ખરીદી સંપૂર્ણપણે બંધ કરી દીધી છે. આ સમગ્ર મામલે રિલાયન્સે ફરી એકવાર સ્પષ્ટ કરી દીધું છે કે જામનગર રિફાઇનરી અને રશિયન તેલને જોડતા હાલના અહેવાલો સત્યથી દૂર છે.

આ પણ વાંચો : Noida : લગ્નની રાત્રે ખુલ્યું રહસ્ય, પછી જે થયું તે સાંભળીને ચોંકી જશો


  • Follow us on: