- 50 વર્ષમાં સેવિંગ્સ સૌથી નીચલા સ્તરે
- SBI ની રિપોર્ટમાં ઘટસ્ફોટ
- રિયલ એસ્ટેટની તેજીની અસર
ભારતની કુલ આબાદીમાં મધ્યમ વર્ગનું પ્રમાણ સૌથી વધુ છે. એવું કહેવામાં આવે છે કે આ મધ્યમ વર્ગ જ છે જે ભારતના આર્થિક ચક્રોને ગતિમાન રાખે છે અને સતત નવી ઊર્જા પૂરી પાડે છે. આજે ભારતને વિશ્વનું સૌથી મોટું બજાર માનવામાં આવે છે જેમાં મધ્યમ વર્ગનો જ સૌથી મોટો ફાળો છે.
જોકે થોડા સમય પહેલા આ જ મધ્યમ વર્ગને લઈને SBI ની એક રિપોર્ટ સામે આવી હતી, જેમાં ચિંતાજનક તારણો સામે આવ્યા હતા. આ રિપોર્ટમાં જણાવ્યાનુસાર હાલના સમયમાં ભારતીય મધ્યમ વર્ગની બચતના પ્રમાણમાં ચિંતાજનક હદે ઘટાડો નોંધાયો છે. 50 વર્ષમાં આ પ્રમાણ સૌથી નીચલા સ્તરે આવી ગયું છે. રિપોર્ટ પ્રમાણે FY2020-21 માં જ્યાં બચતનું પ્રમાણ ભારતના કુલ GDP ના 11.5% હતું તે FY2022-23 માં ઘટીને માત્ર 5% રહી ગયું છે. જે ખરેખર એક ચિંતાજનક બાબત છે. 
હાલના સમયમાં જ્યારે કે ભારતમાં કેન્દ્રની મોદી સરકાર વ્યાપક આર્થિક સુધારાઓને આગળ ધપાવી રહી છે, તેમજ ભારતીય અર્થતંત્રના ભવિષ્યના વિકાસને લઈને પણ વિશ્વની ટોચની આર્થિક રેટિંગ એજન્સીઓ ખૂબ આશાવાદી છે ત્યારે SBI ના આવા રિપોર્ટથી ઘણો જ હડકંપ મચી ગયો હતો. કારણ કે આ રિપોર્ટ ભારતીય આર્થિક વિકાસના મુખ્ય ચાલક બળ મનાતા મધ્યમ વર્ગને સીધો સ્પર્શતો હતો.
જો કે ચિંતાની કોઈ જરૂર નથી
જો કે આ રિપોર્ટને લઈને પછીથી SBI દ્વારા જ વધુ રિસર્ચ કરવામાં આવ્યું હતું, જેના અહેવાલ અનુસાર મધ્યમ વર્ગની બચતો ઘટવાનું મુખ્ય કારણ ભારતના રિયલ એસ્ટેટ સેક્ટરમાં નોંધાયેલી હાલની તેજીને પણ હોઈ શકે છે. જેમાં કહેવામાં આવ્યું છે કે મધ્યમ વર્ગ હાલમાં ઘરેલુ બચતના બદલે વિવિધ પ્રોપર્ટીઝમાં પોતાના પૈસાને ઈન્વેસ્ટ કરી રહ્યો છે. જેના લીધે બચતનું સ્તર ઘટવા પામ્યું હોઈ શકે છે. 
આ રહ્યા આંકડા
આંકડાકીય માહિતી પ્રમાણે જોઈએ તો FY2011-12 માં ઘરેલુ બચતમાં વિવિધ પ્રોપર્ટીઝમાં રોકાણનું પ્રમાણ લગભગ બે તૃતીયાંશથી વધુ હતું, જે FY2021-22 માં ઘટીને અડધાથી પણ ઓછું એટલે કે 48% જેટલું રહી ગયું હતું. જો કે હાલના લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે FY2022-23 માં આ પ્રમાણ વધીને 70% જેટલું થઈ ગયું છે. જેથી મધ્યમ વર્ગની ઘરેલુ બચતના પ્રમાણમાં ઘટાડો નોંધાયો છે. SBI ની આ રિપોર્ટ અનુસાર એવું તથ્ય સામે આવ્યું છે કે હાઉસિંગ લોન્સ અને ઘરેલુ બચતનો વિવિધ પ્રોપર્ટીઝમાં રોકાણ સાથે સીધો સંબંધ છે. જેથી રિયલ એસ્ટેટમાં આવેલા ઊછાળા અને સંપત્તિઓની કિંમત વધવાને લઈને બચતનું સ્તર ઘટવા પામ્યું હોઈ શકે છે.