ભારતીય શેરબજારમાં સતત પાંચ દિવસથી ઘટાડા બાદ સોમવારે ભારતીય માર્કેટમાં તેજી નોંધાઈ છે. આ દરમ્યાન વિદેશી બજારોમાં વેચવાલી યથાવત્ રહી અને કંપનીઓના ત્રિમાસિક પરિણામોમાં ઘટાડો જોવા મળ્યો છે. આજની તેજીમાં મુખ્ય રોલ આઈસીઆઈસીઆઈ બેંકના શેરે પ્લે કર્યો. જેનો સપ્ટેમ્બરમાં નફો આશા કરતાં સારો રહ્યો છે. બીએસઈ સેન્સેકસ 900 અંક અથવા 1.16 ટકાથી વધીને 80,295.22 પર કારોબાર કરી રહ્યો હતો. જ્યારે નિફ્ટી 50 183 અંક અથવા 1.01 ટકા વધીને 24,425.30 ઉપર સવારે 10:42 વાગ્યાની આસપાસ કારોબાર કરી રહ્યો હતો. 


 માર્કેટ કેપમાં એક જ દિવસમાં 5 લાખ કરોડ રૂપિયાનો વધારો

બીએસઈમાં લિસ્ટેડ તમામ કંપનીઓનું માર્કેટ કેપ રૂપિયા 5.06 લાખ કરોડ વધીને રૂપિયા 442.04 લાખ કરોડ થયું છે. દરમિયાન, નિફ્ટી 50 27 સપ્ટેમ્બરના તેના રેકોર્ડ-ઉચ્ચ કરતાં લગભગ 8 ટકા નીચે છે. છેલ્લા 20 સત્રોથી વિદેશી રોકાણકારોએ ભારતમાંથી નાણાં પાછા ખેંચી ચીનમાં રોકાણ કર્યું છે. ચીનની સરકારે રાહત પેકેજની જાહેરાત કર્યા બાદ આ ફેરફાર આવ્યો છે.

મળતી માહિતી અનુસાર, વિદેશી વેચાણ ઉપરાંત, નબળા કમાણીએ પણ રોકાણકારોના સેન્ટિમેન્ટને નુકસાન પહોંચાડ્યું છે અને વેચાણનું દબાણ વધ્યું છે. અહીં નોંધનીય બાબત એ છે કે, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) એ 25 ઓક્ટોબરે રૂપિયા 3,036 કરોડના શેરનું વેચાણ કર્યું હતું, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ એ જ દિવસે રૂપિયા 4,159 કરોડના શેર ખરીદ્યા હતા.

શું આ તેજી આગળ પણ ચાલુ રહેશે?

મળતી માહિતી અનુસાર, HDFC બેન્ક અને ICICI બેન્ક જેવી બેન્કિંગ કંપનીઓના સારા પ્રદર્શનને જોતાં તેજીનું વલણ ચાલુ રહેવાની શક્યતા છે. ઈરાન સામે ઈઝરાયલના હુમલાને પગલે વૈશ્વિક બજાર સાનુકૂળ રહ્યું હોઈ શકે છે, ઈરાની ઓઈલ ફિલ્ડ સિવાય ક્રૂડ ઓઈલના ભાવમાં તીવ્ર ઘટાડો થયો છે. આગામી યુએસ પ્રમુખપદની ચૂંટણી અને તેને લગતી અનિશ્ચિતતાઓ પણ બજાર પર દબાણ જાળવી રાખવાની ધારણા છે.

આંતરરાષ્ટ્રીય બજારની વાત કરીએ તો, દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.6% વધ્યો છે, જ્યારે શાંઘાઈ કમ્પોઝિટ 0.3% વધ્યો છે.


Disclaimer: શેરબજારમાં કોઈપણ પ્રકારનું રોકાણ કરતાં પહેલા પોતાના માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂર લેવી.  

  • Follow us on: