ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યારે યુદ્ધ વિરામનો માહોલ છે. આજે સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારમાં તેજી સાથે શરૂઆત થઈ. યુદ્ધવિરામની જાહેરાત અને યુએસ-ચીન વેપાર સોદા અંગે આશાવાદ પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઓછો થવાના સંકેતો વચ્ચે સોમવારે સ્થાનિક તેજી જોવા મળી. આજે ઘરેલુ શેરબજારમાં તેજી જોવા મળતા રોકાણકારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. આજે સેન્સેક્સ 1890 પોઈન્ટના બમ્પર ઉછાળા સાથે 81344 પર પહોંચી ગયો છે. નિફ્ટી 579 પોઈન્ટના ઉછાળા સાથે 24587 પર છે. સન ફાર્મા સિવાય સેન્સેક્સના બધા શેર લીલા નિશાનમાં છે. અદાણી પોર્ટ્સ, બજાજ ફાઇનાન્સ, એક્સિસ બેંક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ટોચના તેજીમાં છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને કારણે ગયા અઠવાડિયે ભારતીય શેરબજાર નીચા સ્તરે બંધ થયા હતા. જોકે, યુદ્ધવિરામની જાહેરાત સાથે, રોકાણકારોની ચિંતા ઓછી થવાની શક્યતા છે. પરિણામે, બજાર નિષ્ણાતોની અપેક્ષા મુજબ આ અઠવાડિયના આરંભે બજારમાં સકારાત્મક વલણ જોવા મળ્યું. આજે GIFT નિફ્ટી 24,550 ના સ્તરની આસપાસ ટ્રેડ કરી રહ્યો હતો. નિફ્ટી ફ્યુચર્સના પાછલા બંધ કરતા આ લગભગ 485 પોઈન્ટનો પ્રીમિયમ છે, જે ભારતીય શેરબજાર માટે મજબૂત શરૂઆત અને બમ્પર ઉછાળાનો સંકેત આપે છે.













